સાધના યાત્રા : તિરૂવનમલઈના બીજાં દિવસે અંતર્મુખ યાત્રા (૧૮ એપ્રિલ, ૨૦૨૫)
Peace of Mind

સાધના યાત્રા: બીજો દિવસ

તીરુવન્નમલય, તામિલનાડુ

તા. 18 એપ્રિલ 2025

આજે સાધનાનો બીજો દિવસ છે. બ્રહ્મમુર્હતમાં, સવારે અને સાંજે એમ ત્રણ વાર રમણ આશ્રમમાં ધ્યાન કરવા માટે જાઉં છું. ત્યાં ખરેખર ધ્યાનના પરમાણુ અનુભવાય છે. જેટલો સમય નક્કી કર્યો હોય એનાથી વધુ બેસવાનું મન થાય છે. એક નિર્વિકલ્પ આનંદ છે.

ત્યાં એક ગહન ચુપ્પી અનુભવાય છે. ગુજરાતથી આટલું દૂર આવવું ખરેખર સાર્થક થઈ ગયું. આમેય અહીં સુધી બધા પહોંચી નથી શકતા.. કોઈક અદ્રશ્ય શક્તિનો કોલ આવે કે કૃપા થાય ત્યારે આવો ભાવ જાગતો હોય છે, એવું મને લાગે છે.

ધ્યાનમાં બેસવું અત્યંત સરલ પ્રક્રિયા છે. પરંતુ ધ્યાનની પૂર્વ ભૂમિકા નિર્મિત કરવી એ અઘરી બાબત છે. ધ્યાનની પૂર્વભૂમિકામાં કેટલીક બાબતો અનિવાર્ય છે.

1. પૂર્વ જન્મની સાધના:

પૂર્વ જન્મની ધ્યાન સાધનાનો અભ્યાસ હોય તો જ આ જન્મમાં ધ્યાન સાધના સરળ બને છે.

2. તીવ્ર સંકલ્પ:

પૂર્વ જન્મની સાધના ન હોય તો તીવ્ર સંકલ્પ કરવાથી ધ્યાન સાધનામાં પ્રવેશ થઈ શકે છે.

3. અભિરુચિ:

અભિરુચિ એટલે ધ્યાનમાં જવા માટે અંતર્મુખતા નો ભાવ હોવો જોઈએ. ભીતરી તત્વ ખોજવાની અભિપ્સા હોવી જોઈએ, તીવ્ર તડપ હોવી જોઈએ.

4. ધ્યાનની પ્રાથમિકતા:; ત્યારબાદ ચોથું અનિવાર્ય તત્વ છે - ધ્યાન અભ્યાસની પ્રાથમિકતા. ધ્યાનમાં બેસવાને પ્રાથમિકતા આપવી અને નિયમિત આદત પૂર્વક ધ્યાન કરવું. આમ.કરી શકો તો જ ધ્યાનમાં પ્રવેશ સરળ બને છે.

બાકી એ સત્ય હકીકત છે કે અબજો લોકોમાં લાખો લોકો ધર્મના માર્ગે પ્રવેશ કરે છે, પરંતુ એ લાખોમાંથી પાંચ દસ હજાર લોકો ધ્યાનમાં બેસવાની કોશિશ કરે છે. પરંતુ આ કોશિશ માત્ર એક કુતુહલતાનું પરિણામ છે. એ પાંચ દસ હજાર લોકો જે કોશિશ કરે છે એમાંથી માત્ર બસો પાંચસો લોકોને ખરેખર ધ્યાનની ઉત્કંઠા જાગી હોય છે અને એમાંથી પચાસ સો લોકો ધ્યાનમાં ઉતરી શકે છે. એમાંથી કેટલાક ખોજી હોય છે અને કેટલાક પહોંચી ગયેલા જ્ઞાની. ખોજી ધ્યાન થકી સ્વની શોધ ચાલુ રાખે છે અને જ્ઞાની ખોજ કરીને મંઝિલ સુધી પહોંચી ગયા હોય છે.

એટલે આ માર્ગ આમ જુઓ તો સરળ નથી કેમકે અંદર ઉતરવું એ સામાન્ય બાબત નથી. અંદર બેઠેલા અનાદીના અંધકારનો સામનો કરવો પડે છે. એ અંધકારને ભેદીને, વિભાવોને છેદીને, વિકલ્પોને વિરામ આપીને ભીતરમાં ઉતારવાનું હોય છે.

જે વ્યક્તિને ધ્યાનનો આવો નશો ચડી જાય તેના ઉપર પછી દુનિયાનો કોઈ નસો ચડતો નથી. આ નશો ચઢાવવા જેવો છે. ધ્યાનમાં ઉતરવા જેવું છે. ભીતરના સત્યનો સાક્ષાત્કાર કરવા જેવો છે. ધર્મની બહુ કસરતો કરવાની જરૂર નથી, એ બધા પ્રપંચો છે. ધ્યાનનો માર્ગ જ તમને તમારા સુધી લઈ જશે. એ જ જીવનનો અત્યંત ધ્યેય છે.

~ સમણ શ્રુતપ્રજ્ઞજી

તમિલનાડુ

Add Comment