જીવનમાં એક વસ્તુ એવી છે જેના પર ક્યારેય સો ટકા વિશ્વાસ મૂકી ન શકાય અને એ વસ્તુ સમય છે. સમય ક્યારે માણસના મનસૂબા ઉથલાવી દે તે કહી શકાય નહિ. આપણે બધા સારી રીતે જાણીયે છીએ કે આપણું ધાર્યું કંઈ થતું નથી. કરવું હોય છે કંઈક અને થઇ જાય છે કંઈક. આપણે ધાર્યું ન હોય અને એવું જો થઇ જાય તો આપણે તેને ચમત્કારમાં ખપાવીએ છીએ. અને એ પ્રમાણે ન થાય તો આપણે નસીબને દોષ આપવા સિવાય કાંઈ કરતા નથી. સમયની એ ફિતરત છે કે આપણી સમજની પરે હોય એવું જ એ કરતો ફરે છે. ઘણી વાર અનુભવ્યું હશે કે રમત રમતમાં લીધેલું જોખમ અને નિર્ણય આરામથી પાર પડી જાય છે અને ક્યારેક ખૂબ વિચારીને અને યોજનાબદ્ધ રીતે ગણતરી બાંધીને લીધેલા નિર્ણયો નિષ્ફળ જાય છે. કોઈએ સપને પણ વિચાર્યું'તું કે કોરોના આપણી આ દુર્દશા કરશે? અરે ! એ કોરોના ચાઈનામાં હતો ત્યારે પણ આપણને લાગતું હતું કે એ તો ત્યાંનો પ્રોબ્લેમ છે, એ આપણા સુધી થોડો પહોંચશે અને પહોંચશે તો આટલું ભયાનક એનું રૂપ હશે એવી કોણે ધારણા બાંધી હતી? અતિ વ્યસ્ત રહેતા આપણે લોકો ઘરમાં બે મહિના સુધી બંધ રહીશું - ક્યારેય વિચાર્યું હતું? પહેલા આખી દુનિયા બીઝી હતી, ફુરસદ લક્ઝરી બની ગઈ હતી, માણસ પાસે બીજા માટે તો ક્યાં પોતાના માટે પણ સમય નહોતો, આજે સમય ક્યાં પાસ કરવો એ સમસ્યા છે, ફુરસદ સાવ સસ્તી બની ગઈ છે, હવે પોતા માટે અને સૌ માટે સમય જ સમય છે. પરંતુ ધ્યાન રાખજો લોકડાઉન ખૂલી ગયું છે અને ખૂલી રહ્યું છે. ફરી પાછા આદતવશ વ્યસ્તતાના વ્યસની ન બની જતા. મને ખબર છે આ વ્યસન છૂટવાનું નથી ! એક વાત યાદ રાખજો, સમયને ફરી જીવી શકાતો નથી. વીતેલો સમય માત્ર સ્મરણ બનીને રહી જાય છે. આજે હું આપને એટલું જ કહેવા માંગુ છું કે જીવનમાં જે આવે તેને ખૂબ પ્રેમ આપજો, સન્માન આપજો, સમય આપજો, જે ક્ષણ જેની સાથે મળે એ મનભરીને જીવી લેજો,પોતાની વ્યક્તિ ન હોય ત્યારે માણસ અફસોસ કરતો રહે છે કે આમ કરવાનું રહી ગયું. લતા હિરાણીએ એમની કૃતિમાં સરસ લખ્યું છે - ' હું મૃત્યુ પામીશ અને તારા આંસુ વહેશે, જેની મને ખબર નહિ પડે, તું અત્યારે જ થોડું રડ ને ! હું મૃત્યુ પામીશ પછી તું મારી કદર કરીશ, જે હું સાંભળી નહિ કરી શકું, તું એ બે શબ્દો હમણાં જ બોલ ને ! હું મૃત્યુ પામીશ અને તું મારા દોષો ભૂલી જઈશ, જે હું જાણી નહિ શકું, તું મને હમણાં જ માફ કરી દે ને ! એટલે જ કહું છું અવસરની રાહ ન જુઓ, રાહ જોવામાં ઘણીવાર બહુ મોડું થઇ જાય છે. જો તમારી પાસે તમારા લોકો માટે સમય ન હોય તો માનજો કે તમે સૌથી વધુ ગરીબ છો !
- સમણ શ્રુતપ્રજ્ઞજી પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ