ટેક્નોલોજી અને મીડિયાના માહોલમાં આપણે બધા બહુ જ્ઞાની થઇ ગયા છીએ, આપણું જ્ઞાન આપણને કેટલું કામ આવે છે એના પર ચિંતન કરવું જરૂરી છે. બીજાને સમજાવવા આપણે બધા જ્ઞાની છીએ. ઘણા ખરા લોકો પોતાના વોટ્સએપના સ્ટેટસમાં સુંદર મજાના સ્લોગન મૂકે છે, પણ એ સ્લોગન બીજાને ઈમ્પ્રેસ કરવા માટે હોય છે કે પોતાના જીવનમાં ઈમ્પ્લીમેન્ટ કરવા માટે? જેટલા સુંદર અને પ્રેરણાદાયી વાક્યો આપણે શૅર કરીએ છીએ એમાંનું એકાધ વાક્ય પણ આપણે અમલમાં મૂકીએ તો કામ થઇ જાય - પણ આવું આપણે લગભગ કરતા નથી, કેમકે ખૂબ અઘરું પડે છે. હમણાં કોરોનાના વિકટ માહોલમાં કેટલી જ્ઞાનવર્ધક વાતો સાંભળવા મળે છે, બહાર ન જઈ શકો તો અંદર જાઓ - આ વાક્ય ખૂબ ઊપડ્યું, પણ કોણ અંદર જાય છે? કોણ અંદર જવાનો અર્થ પણ સમજે છે? અંદર જવું એટલે ધ્યાનમાં બેસવું આ કોને ખબર છે? કેમકે આ જ્ઞાન એક તો ઉધાર લીધેલું છે અને પ્રવૃત્તિનું જેને વ્યસન થઇ ગયું છે એના માટે ધ્યાનથી અઘરું કશું નથી. એ ધ્યાનમાં બેસી જ નહિ શકે.. બધાને હવે ખબર પડી ગઈ છે કે કોરોનાની કોઈ દવા નથી, રોગ પ્રતિકારક શક્તિ વધારવી એ જ એનો સ્થાઈ ઉપાય છે. પ્રાણાયામ કરીને આ વધારી શકાય છે એ પણ હવે જાણી લીધું છે છતાં કેટલા લોકો પ્રાણાયામ નિયમિત કરતા હશે? કોઈ વસ્તુની ખબર જ ન હોય તો એવી વ્યક્તિને મૂર્ખ કહેવાય પણ જેને ખબર છે છતાં એ પ્રમાણે કરે નહિ તો એને શાસ્ત્રમાં મૂઢ કીધા છે. દુનિયામાં મૂર્ખ ઓછા છે, મૂઢ વધુ છે. એક પોલીસના ઘરે ચોર ઘૂસ્યા, પત્નીએ પતિને કહ્યું - જાગો, જુઓ, ચોર આવે છે. પતિ કહે મને ખબર છે તું શાંતિથી સૂઈ જા. ચોર ખરેખર ઘરમાં ઘૂસ્યો, પત્નીએ પતિને કહ્યું જુઓ ચોર અંદર આવ્યો છે, ફરી પતિએ એ જ જવાબ આપ્યો મને ખબર છે, તું ચિંતા ન કર. થોડીવારમાં ચોર કિંમતી વસ્તુ ઉપાડીને ભાગ્યો, ફરી પત્નીએ કહ્યું પણ પેલો આપણી વસ્તુઓ લઈને ભાગ્યો, હવે તો કંઈક કરો, ત્યારે પોલીસે કહ્યું - હમણાં હું ડ્યૂટી પર નથી, શાંતિ રાખ. એને શાંતિ રાખી અને ચોરે પોતાનું કામ પતાવી દીધું. બસ, કરવાની વાત આવે એટલે આ એક જ ડાયલોક બોલીયે છીએ હમણાં હું ડ્યૂટી પર નથી,
- સમણ શ્રુતપ્રજ્ઞજી પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ