અનુચિન્તન: 22: પશુ પક્ષીઓ પ્રત્યે પ્રેમ તો માણસ પ્રત્યે કેમ નહિ?
Peace of Mind
સંબંધોનું ગણિત ખૂબ વિચિત્ર અને અટપટું છે. કેટલાક સંબંધો નજીકના હોય છે અને કેટલાક દૂરના. ઘણીવાર નજીકવાળા દૂર ચાલ્યા જાય છે અને દૂરવાળા નજીક આવી જાય છે. આની પાછળ માણસના મનનું મનોવિજ્ઞાન કામ કરે છે. એ મનોવિજ્ઞાન એ છે કે આપણે માણસને એ બધી બાબતમાં પૂર્ણ હોવો જોઈએ એ રીતે જોવા ટેવાયેલા છીએ. આ ક્યારેય શક્ય જ નથી, આપણી બાબતમાં પણ આ ક્યાં શક્ય છે. આપણામાં પણ કેટ કેટલી ખામીયો છે. પરંતુ આ ગણિત આપણે આપણા માટે નથી લગાવતા, બસ, બીજો સંપૂર્ણ હોવો જોઈએ. બીજો સંપૂર્ણ હોય એની રીત પણ આપણી પાછી અનોખી છે. એ રીત એ છે કે બીજો મારી નજરમાં, મારા મત પ્રમાણે, મારી અનુસાર સંપૂર્ણ હોવો જોઈએ. આ ક્યારેય સંભવ જ નથી અને એટલે નજીકવાળા સાથે અણગમો ઉભો થાય છે. દૂરવાળા આપણી નજીક આવે છે ખરા પણ એ પણ આપણા જીવનમાં ઝાઝું ટકશે કે કેમ એ એક યક્ષ પ્રશ્ન છે. કેમકે એને માપવાના તરાજુ જો એ જ હશે તો એ પણ કાલે દૂર ચાલ્યા જશે.

એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે, સમણજી ! મને પશુ પક્ષીઓ ખૂબ ગમે છે, પશુઓની નિર્દોષતા અને એનું ભોલાપણું મને રોમાંચિત કરી નાખે છે, પક્ષીઓનું નિઃસંગ વિહરવું, અને પક્ષીની ગોદમાં એની ચહચહાટ મનને આકર્ષિત કરે છે. આવો પ્રેમ અને એવો ભાવ મને માણસો પ્રત્યે અને ઘરના સભ્યો પ્રત્યે ક્યારેય નથી જાગતો - આનું કારણ શું? જવાબ આપતા મેં કહ્યું - કારણ ખૂબ સ્પષ્ટ છે. પક્ષીઓ અને પશુઓ તમારા ઘરમાં નથી, તમારા જીવનનો ભાગ નથી, એ દૂર છે અને એની સાથે તમારો સંબંધ માત્ર ઘડીભરનો છે, એમની કૂટેવો અને આદતોથી તમે પરિચિત નથી, એ તમારા ઈગોને હર્ટ કરવા નથી આવતા, માત્ર તમે તેના સારા પક્ષથી પરિચિત છો એટલે એ તમને વધુ ગમે છે.

ઘરના લોકો સાથે આ એપ્રોચ નથી. કેમકે એ તમારા ઘરમાં છે, એ તમારાથી બિલકુલ નજીક છે, એમની સાથે તમારો સંબંધ જીવનભરનો છે, એમની બધી જ ખામીઓ અને દોષોથી તમે પરિચિત છો, એ તમારા ઈગોને પણ જાણતા કે અજાણતા હર્ટ કરે છે, પરિણામે એમના પ્રત્યે તમારા મનમાં દ્વેષ ઉપજે છે. આ જ કારણના લીધે આપણને પશુ પક્ષીઓ ગમે છે અને માણસો નથી ગમતા. જે પશુ પક્ષીઓ તમને ગમે છે એને ઘરમાં લાવીને રાખી જુઓ પછી ખબર પડશે એની સાથે કેમ રહેવાય છે. ગમે ત્યાં ટોયલેટ બાથરૂમ કરશે, ગમે ત્યાં હરશે - ફરશે અને બધું ગંદુ કરશે, સાજું માંજું થશે અને તમારી જિંદગી એની ટેક કેયર કરવામાં જ જશે પછી ખબર પડશે કે કેટલી વીસે સો થાય છે.

- સમણ શ્રુતપ્રજ્ઞજી   
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 

Add Comment