અનુચિન્તન: 21: ​​​​​​​સૌ માટે સમાધાનનો સેતુ બનીએ
Peace of Mind
સંકટની ઘડીમાં માણસની સાચી કસોટી થાય છે, જયારે બધું બરાબર હોય છે ત્યારે આપણે સારા હોઈએ છીએ. આ સારા હોવામાં કોઈ સત્ત્વ નથી. મુશ્કેલીના સમયે માનવીનો અસલી ચહેરો ઉજાગર થાય છે. ત્યારે ખ્યાલ આવે છે કે આપણે કોણ છીએ અને કેવા છીએ. આવા સમયે પસંદગીના બે જ રસ્તા છે - કાં તો આપણે સમસ્યાનો ભાગ બનીએ છીએ અને કાં તો સમાધાનનો ભાગ થઈએ છીએ. પોતાના જીવનના ક્રિયા કલાપો પર નજર નાખીને જો જો તો ખ્યાલ આવશે કે આપણો નંબર શે'માં આવે છે? ઘણા લોકો આજે પણ પોતાના માટે અને અન્યો માટે સમસ્યાનો એક હિસ્સો છે. સમાધાનનો ભાગ બનવું એ સ્વયંને બચાવવા માટેની સાવધાની છે અને અન્યોની જિંદગી સુરક્ષિત રાખવાની કાળજી છે. આવા સમયે જયારે આપણે ગંભીર મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છીએ ત્યારે શું ખરેખર આપણે છ ફૂટનું અંતર જાળવીએ છીએ ખરા? આપણે માસ્ક અને હાથની સફાઈમાં સજાગ છીએ ખરા? 

ભારતીય લોકોમાં આ બાબતે શિસ્તનો પૂરેપૂરો અભાવ પહેલાથી જ ચાલ્યો આવે છે. બેદરકારી આપણા લોકોના ડીએનએમાં છે. એટલે લોક ડાઉનમાં જો આટલા કેસો વધી રહ્યા છે તો એ ખૂલશે પછી શું સ્થિતિ બનશે કલ્પના કરીને ઘણી વાર ઊંઘ ઉડી જાય છે. ચોક્કસ અત્યારે આપણી સ્થિતિ ઇટાલી અને અમેરિકા જેવી નથી, અને એનું કારણ છે - સમય પર આપણે જાગી ગયા અને બીજું પશ્ચિમી દેશો કરતાં આપણા લોકોની રોગપ્રતિકારક શક્તિ આયુર્વેદના પ્રભાવે અને કઠોર જીવન શૈલીના કારણે પાવરફૂલ છે. છતાં આમાં બહુ ફુલાવા જેવું નથી. કોરોના સાથે હજુ ઘણી લાંબી દૂરી તય કરવાની બાકી છે. હજુ કોરોના એ બિસ્તરા પોટલાં સમેટ્યાં નથી. કોને ખબર એના અસલી ચહેરાના દર્શન હજુ બાકી હોય. આ ડરવાની વાત નથી, સાવધાની માત્ર છે અને શિસ્તનું કડકાઈથી પાલન કરવા માટે છે. કોરોનાની ઘટનામાંથી ઘણું ઘણું શીખવાનું છે. એક મોટી વસ્તુ એ શીખવાની છે કે આપણે પોતાના માટે અને અન્ય સૌ માટે સમાધાનનો સેતુ બનીએ, સમસ્યાનો હેતુ ક્યારેય ન બનીએ.

  
- સમણ શ્રુતપ્રજ્ઞજી   
 પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 

Add Comment