અનુચિન્તન- 10 : આપણે કશું જાણતા નથી આ ભાવ આપણને નમ્ર બનાવે છે: સમણ શ્રુતપ્રજ્ઞજી 
Peace of Mind

આપણે કશું જાણતા નથી ભાવ આપણને નમ્ર બનાવે છે

નથી લાગતું કે હવે લગાતાર જાણકારીઓના ભારથી, સ્ટેટેસ્ટિકના આંકડાઓથી, જુદા જુદા મતોથી અને ભવિષ્યવાણીઓથી આપણું મગજ થાકી ગયું હોય? આપણે ધીર ધીરે એ વિનમ્ર નિર્ણય પર પહોંચ્યા છીએ કે 'આપણે કશું જ જાણતા નથી.' અજ્ઞાતના મહાસાગરમાં આપણું જ્ઞાન એક બુંદ માત્ર જ છે. કોરોનાની આ ઘટના પછી, આપણામાં હવે ધીરે ધીરે જ્ઞાન પ્રત્યેની નમ્રતા આવી છે અને એ સમજ વિકસિત થઇ છે કે જીવનની વાસ્તવિકતા શું છે અને ક્યારે શું બનશે એ વિષે આપણામાંથી કોઈ કશું જ જાણતા નથી. જ્ઞાનની ઉચ્ચ દશાએ પહોંચ્યા પછી પણ આજના મનુષ્યની વાસ્તવિકતા તો આ જ છે.  

ઊંડાણમાં જઈને વિચારીએ તો આ બાબત માનવીય મૂળભૂત સંસ્કારોને આંદોલિત કરે છે. આપણે હજુ કશું જાણતા નથી - આ સત્ય આપણામાં વ્યક્તિગત અને સામૂહિક રૂપે નમ્રતાનો ભાવ જાગૃત કરે છે. પોતાની જાતને આગળ રાખીને કે હું બધા પર વિજય મેળવી શકું છું અને બધું જાણી શકું છું - આ અહંકાર કોરોનાની આ વાસ્તવિકતા પછી છોડવા જેવો છે. દુનિયાની બધી સમસ્યાઓ અને તેના સમાધાનો પર વિચાર કરવાના બદલે, આપણે આપણી જાતને કુદરતના ચરણોમાં સમર્પિત કરતા શીખી જઇએ એ વધુ સારું અને ઉત્તમ છે. આવું કરીને અજ્ઞાતમાં ઉભા રહેતા શીખી જઈશું તો એ એક એવી ભૂમિકા તૈયાર થશે જેનાથી આપણી ભીતર તાજું, પ્રમાણિત, સત્ય સાથે જોડાયેલું સમ્યક જ્ઞાન પ્રગટ થશે. 

આ પ્રકારનું જ્ઞાન ભીતરી પ્રજ્ઞાથી જાગે છે અને જેનો આધાર એકાગ્ર અને ભય મુક્ત મન છે. આ જ્ઞાન એ બંને ગ્રુપ માટે કામનું છે, એક જે કોરોના બાબતે પોતાનો મજબૂત મત ધરાવે છે અને માને છે કે અમને બધી ખબર છે, અમે કુદરતના ક્રૂર કૃત્ય પર વિજય મેળવી શકીએ છીએ અને બીજું જે જ્ઞાન બાબતે કોઈ સ્પષ્ટ મત કે આગ્રહ ધરાવતા નથી. ચાલો જ્ઞાનની બાબતમાં નમ્ર બનીએ અને અજ્ઞાતને સમજવા માટે હૃદયને કુદરતના ખોળામાં મૂકી દઈએ અને સાથોસાથ ભીતરી પ્રજ્ઞાને જાગૃત કરવાની પ્રાયોગિક સાધના વધારીએ. લાગે છે એમાં જ વ્યક્તિનું પોતાનું અને સમગ્ર માનવતાનું હિત છુપાયેલું છે. 

  • સમણ શ્રુતપ્રજ્ઞજી 

  પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 

 

Add Comment