અનુચિન્તન- 9; કોરોનાના નિમિત્તે વાદ - વિવાદમાં ન પડો :સમણ શ્રુતપ્રજ્ઞજી 
Peace of Mind
કોઈ પણ ઘટનાની બે બાજુ હોય છે. શું જોવું અને જે જુઓ છો એનું અર્થઘટન કેમ કરવું એ દરેકના પોતાના હાથમાં છે અને એ અર્થઘટનની જવાબદારી પણ તેની પોતાની છે. આપણે ઘણીવાર એ પણ સાંભળીએ છીએ કે આવી મહામારીની વિકટ સ્થિતિમાં લોકોનો અહં પણ ઘવાય છે, લોકો ક્રોધમાં પણ આવે છે, હિંસા પણ કરે છે. ઘણા લોકોને અને ખાસ કરીને તબીબી ક્ષેત્રને અને વૈજ્ઞાનિક લોકોને એવું લાગે છે કે એક નાનકડા અને નરી આંખે ન દેખાતા અચેતન વાયરસ સામે અમે હારી ગયા,  તો પછી અમે આખી જિંદગી કર્યું શું? એક જાતના ચશ્માં ચઢાવીને જુઓ તો આ સાચું લાગે છે. જે પણ હોય પણ આપણી પાસે પસંદગી કરવાની શક્તિ છે. 

કોરોનાની આ મહામારીમાં ઘણી બધી એવી ઘટનાઓ આપણી સામે આવી છે, જેની સામાન્ય માણસ કલ્પના પણ નથી કરી શકતો. વધુ વાત પછી કરીશું પણ જે રીતે સેવા અને સહયોગની સરવાણી વહી છે એના પરથી કહી શકાય કે  હા, સંકટના સમયે પૂરી દુનિયામાં લોકો વધુ પ્રેમાળ, સંવેદનશીલ અને કરુણામય બન્યા છે. સાવ સામાન્ય રીતે ઓછા સંસાધનોમાં જીવતા લોકો પણ નાનું મોટું કામ કરીને નિઃસ્વાર્થ ભાવે લોકોની મદદે દોડી જાય છે અને સાચા ભાવથી સેવા કરે છે. ખાસ કરીને ભારતીય લોકોના ડીએનએ માં સનાતન સમયથી સંવેદનાના આ સંસ્કારો સુરક્ષિત ભરેલા હતા જે આવી વિકટ સ્થિતિમાં બહાર આવ્યા છે. તેનું જ આ પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ. 

મધર ટેરેસાનું એક નાનકડું અને કિંમતી વાક્ય યાદ રાખવા જેવું ખરું કે 'આપણે બધાય લોકો કદાચ શ્રેષ્ઠ ન બની શકીએ પરંતુ નાનું એવું સારું કામ પણ શ્રેષ્ઠ રીતે કરી જ શકીએ છીએ. આજથી એક સંકલ્પ કરી શકીએ કે 'હું મારી બહુમૂલ્ય ઉર્જાને ક્યારેય વિધ્વંસમાં કે વિરોધમાં, નકારાત્મક્તા કે નિરાશામાં નહિ લગાઉં. માનનીય મોદીસાહેબનો એટીટ્યૂડ જુઓ - ક્યાંય ક્યારેય વાદ - વિવાદમાં ઉલઝશે જ નહિ. ઘણાં લોકો આવા સમયે પણ કોરોનાના નિમિત્તે બાઝતા હોય છે. ઘણીવાર કોરોના કરતા લોકોનો વિરોધ અને ઉપેક્ષાનો ભોગ બનવું વધુ ખતરનાક સાબિત થાય છે. ચાલો એક સંકલ્પ કરીએ કે 'હું હંમેશા ઉર્જાને સાચી,સકારાત્મક અને સર્જનની દિશામાં લગાવીશ, ક્યારેય વાદ –વિવાદમાં ઉર્જાને બરબાદ નહિ કરું.'  
  • સમણ શ્રુતપ્રજ્ઞજી 
 પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 

Add Comment