અનુચિન્તન: 7:  મા ધરતીને અને પ્રકૃતિને સંતુલિત કરવા માટે લોકડાઉન અનિવાર્ય હતું    
Peace of Mind
માનવતાના ફેફસાંને આઘાત લાગ્યો છે, એના મનમાં ભયના વાદળાં ઘેરાયા છે, હવે પછી શું થશે એની કાલ્પનિક ચિંતા સતત કોરી ખાય છે, પણ બીજી બાજુની સચ્ચાઈ એ છે કે પૃથ્વી શ્વાસ લઇ રહી છે, પ્રાણી સૃષ્ટિ નિર્ભય બની છે, પ્રકૃતિ ફરી પોતાની જાતને સંતુલિત કરી રહી છે અને એના થકી આપણે પણ સંતુલિત થઇ રહ્યા છીએ. આપણે સાંભળ્યું હશે અને અનુભવ્યું હશે કે આકાશ હવે વધુ ચોખ્ખું દેખાય છે, હવા શુદ્ધ અનુભવાય છે, ગંગાનું પાણી એક પૈસાના બજેટ વગર ચોખ્ખું ચટ્ટ થઇ ગયું છે અને ડોલ્ફિન પણ હવે પોતાની કેનાલમાંથી બહાર આવી રહી છે. 

દુનિયાની નામી યુનિવર્સીટી - સ્ટાર્નફર્ડ યુનિવર્સીટીનું અનુસંધાન કહે છે કે 'આ કોરોનાના કારણે માત્ર એકલા ચીનમાં 77,000 લોકોની જિંદગી એક યા બીજી રીતે બચી ગઈ છે. હવાના પ્રદૂષણ અને વાહનોના ધુંવાડાના કારણે જે 77,000 લોકોની જાનને ખતરો હતો, એ આ ખતરામાંથી બહાર આવ્યા છે અને શુદ્ધ હવા લેવા સક્ષમ બન્યા છે. એથી પણ મજાનું અનુસંધાન એ કહે છે કે બે મહિનાના પ્રદુષણ નિયંત્રણના પરિણામે 5 વર્ષથી નીચેના લગભગ 4,000 બાળકો અને 70 વર્ષથી ઉપરના લગભગ 73,000 લોકોની જિંદગી બચી ગઈ છે. આવી રીતે દુનિયાના ખૂણે ખૂણે પર્યાવરણ અને પ્રાણીજગતની સ્વસ્થતા અને સુરક્ષાના શુભ સમાચારો સામે આવી રહ્યા છે.  

આપણી આંધળી આર્થિક દોડ અને અટક્યા વગરની અસીમ પ્રવૃત્તિઓને બ્રેક લાગે તો જ પૃથ્વી આરામ કરી શકે તેમ હતી એટલે કોઈ પણ નિમિત્તે તેને પોતાની પ્રતિભાથી આવું કર્યું છે. સામાન્ય જીવન જીવવામાં આજે પણ કોઈને તકલીફ આવે એવું લાગતું નથી. ખાવા પીવાનું અને જીવનની અનિવાર્ય જરૂરિયાત કુદરત બધાને પૂરી પાડે જ છે. હા, મોજશોખ અને એશોઆરામની જિંદગી જીવનારાઓને તકલીફ જરૂર પડશે. આ ઘટનાથી એ કેમ ન શીખી શકાય કે બહુજ ઓછી જરૂરિયાતથી જીવન વધુ સારી રીતે જીવી શકાય છે.
  • સમણ શ્રુતપ્રજ્ઞજી 
  પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 

 

Add Comment