અનુચિન્તન: 3: દરેક આધ્યાત્મિક બાબતો આપણને આ ક્ષણ માટે તૈયાર કરે છે: સમણ શ્રુતપ્રજ્ઞજી   
Peace of Mind

 આપણી ધાર્મિક વિધિઓ, વાતાવરણ, ધ્યાન - યોગનો અભ્યાસ ,યજ્ઞ, સત્સંગ, પ્રાર્થનાઓ, મંત્રો અને તીર્થયાત્રાઓ આપણને સંકટની વચ્ચે વર્તમાન ક્ષણમાં અને સમભાવમાં રહેવા માટે તૈયાર કરે છે. આપણે વિધિઓ અને સાધનાની અસીમ શક્તિઓના હૃદયથી આભારી રહેવું જોઈએ કે તેમને આપણને સંકટ વચ્ચે અંદર અને બહારથી સંતુલિત રહેતા શીખવ્યું. આપણે સંતો અને ઋષિઓના અંતરથી કૃતજ્ઞ રહેવું ઘટે જેમને આપણને સંસ્કારોનો અમૂલ્ય વારસો ભેંટ આપ્યો. ધર્મની સાધના - આરાધના- ઉપાસના આપણા હૃદયને કોમળ બનાવે છે અને મનને મેરુની જેમ મજબૂત બનાવે છે.

આપણા ભારતીય લોકો માટે ઘરમાં બેસી રહેવું મજબૂરી નથી, એકાંતનો વૈભવ માણવાની ક્ષણ છે. કુદરતની સજા નથી, આત્માની બેટરી ચાર્જ કરવાની મૂલ્યવાન પળો છે. ધાર્મિક અભ્યાસ આપણને વિકટ સ્થિતિમાં શાંત રહેતા શીખવે છે અને આપણી સમજણના પ્રકાશને સદા ઝળહળતો રાખે છે.  આવી વિકટ સ્થિતિમાં જયારે અન્ય લોકો જેઓ ધર્મના સાચા મર્મને પામ્યા નથી, ભલે સંકટના અંધકાર વિશે ફરિયાદ કરે. પરંતુ આપણે જાણીએ છીએ કે આત્મદશામાંથી ઉદ્ભવતા ક્ષણના દરેક વિચાર, શબ્દ અને ક્રિયા સમગ્ર અસ્તિત્વને પ્રભાવિત અને આંદોલિત કરે છે અને સમય જતાં ફરી લહેર બનીને આપણી પાસે પાછા આવે છે. કર્મ સિદ્ધાંતનો તો આધાર છે.

આપણા વિચારો સકારાત્મક હોય, આપણી વાણી આગ્રહમુક્ત અને મધુર હોય અને આપણી ક્રિયાઓ પ્રેમાળ અને સહયોગ પ્રધાન હોય. આમ કરીને આપણે આસપાસના વાતાવરણને નકારાત્મક આંદોલનોથી બચાવી, સકારાત્મક ઉર્જાથી ભરી શકીશું.  

 

Add Comment