હાર્ટસેટ: (લાગણીઓનો ધર્મપથ): સમણ શ્રુતપ્રજ્ઞજી
માઈન્ડસેટ ગોઠવ્યા પછી હાર્ટસેટ ગોઠવવું આવશ્યક છે. દુ:ખ, ક્રોધ, નિરાશા, હતાશા, દ્વેષ જેવી દબાયેલી લાગણીઓમાંથી મુક્ત થવું જરૂરી છે. દબાયેલી લાગણીઓના ઢગલાં આપણની પ્રતિભા અને ઊર્જાને દબાવી દે છે. જુના લાગણીના ઘાવોને ઓળખી બહાર લાવવાનું અને ઉપચાર કરવાનું કામ અત્યંત જરૂરી છે.
આઘાત કોઈ નકારાત્મક શબ્દ નથી; તે જીવનનો શિક્ષક બની શકે છે. એ મુશ્કેલીઓમાંથી પસાર થવાનું શીખવે છે. ખોવાયેલ સર્જનાત્મકતા પાછી લાવવાનું કામ કરે છે. ભરોસાપાત્રતા, વિનમ્રતા અને હૃદયની કોમળતાનું સાચું સ્વરૂપ પેદા કરે છે. જીવનમાં ભેગા થયેલા આઘાતો તમારી સૌથી મોટી પાઠશાળા બની શકે છે. જો તમે આ દુ:ખદ ઘટનાઓ પચાવી શકો તો તમારો કલાત્મક ઢબે વિકાસ થાય છે, સંવેદનશીલતા અને આધ્યાત્મિક સ્વતંત્રતા ફૂટી નીકળશે. દબાયેલી લાગણીઓને ખોલી શકશો તો તમારો ઈશ્વરીય શક્તિ સ્ત્રોત ખીલશે.
જૂના અને હૃદયની ગુફામાં દબાયેલા આઘાતો હટાવ્યા વગર જીવનમાં સફળતા, આનંદ અને શાંતિ શક્ય નથી. હૃદય અને મગજની અંદરની શુદ્ધિ કરવી તાત્કાલિક જરૂરી છે. તેનાથી તમારી ગ્રહણશક્તિ, સમજશક્તિ અને સ્ફૂર્તિમાં નોંધપાત્ર સુધારો થાય છે. વેદના અને જૂના ઘાવ મગજને ધૂંધળું અને હૃદયને મૂર્છિત બનાવે છે. જ્યારે તમે દિલની પીડાને ઓળખો છો, એમને સ્વીકારો છો અને હીલીંગ તરફ આગળ વધો છો, ત્યારે તમે ખરેખર વધુ સ્વસ્થ, વધુ ખુશ અને વધુ મુક્ત બની શકો છો.
આજના યુવાનો ઘણી વખત પોતાની લાગણીઓને ગુપ્ત રાખે છે, છુપાવીને રાખે છે, અને આમ છતાં એ દુનિયામાં બધું સાબિત કરવા પાછો ઉત્સુક રહે છે. પરંતુ સાચી શક્તિ તો પોતાની ભીતરના તોફાનો સાથે સંવાદ સાધવામાં છે.
જૈન મૂલ્યો કહે છે – *"અહિંસા પરમો ધર્મઃ"*, અને એ અહિંસા માત્ર બહાર બીજા સાથે કરવાની નથી – સૌથી પહેલા તો તે તમારી પોતાની લાગણીઓ સાથે કરવાની છે. જયાં તમને દુઃખ મળ્યું છે, જયાં કોઈએ દુઃખ આપ્યું છે, ત્યાં તમે શું શીખ્યા એ મહત્વનું છે. પોતાની જાતને પોતાની લાગણીઓથી ઘાયલ ન કરવું એ સાચી અહિંસા છે.
અન્યથા આપણા હૃદયમાં દબાયેલી ઝેરી લાગણીઓ – ગુસ્સો, ક્રોધ, વૈર અને અફસોસ – એક એક કરીને આપણા વ્યક્તિત્વની પાંખો કાપી નાખે છે. ખરા હાર્ટસેટમાં તો ક્ષમાયુક્ત વ્યવહાર અને સદ્ભાવ છે. ક્ષમાપના માત્ર વચનમાં અને બીજાના પ્રત્યે જ નહીં, પરંતુ હૃદયની અંદર જે દબાયેલી અગણિત લાગણીઓ છે એને માફ કરી દેવામાં છે.
ટ્રોમા અને આઘાત જે આપણા જીવનમાં અવાર નવાર આવતા હોય છે, એ ખરેખર અભિશાપ નથી – સાચા અર્થમાં તે જ આપણી પાઠશાળા છે. એમાંથી બોધપાઠ શીખીએ તો જ આપણું હૃદય શુદ્ધ થાય. જેમ પંખીઓ પોતાના ઘાવો સહન કરી ઊંચા આસમાને ઊડે છે, તેમ આપણે પણ આપણા ભીતરના ઘાવને સમજીને, યોગ્ય જગ્યાએ પ્રગટ કરીને આપણી પોતાની જ આંતરિક ઊંચાઈ સુધી પહોંચી શકીએ છીએ. હાર્ટસેટ એ છે – સૌંદર્ય સાથે જીવન જીવવાની કળા. જ્યાં સાચા અર્થમાં કૃપા, કૃતજ્ઞતા અને ભવ્યતાનો આરંભ થાય છે.
