વવાણિયા
તા. માર્ચ 23, 2025
આજે મૌન એકાંત ધ્યાન સાધનાનો ત્રીજો દિવસ પૂરો થાય છે. એકાંતમાં રહેવાથી સ્વનું તટસ્થ નિરીક્ષણ સરળ બને છે. આજે ત્રીજા દિવસે મૌન એકાંત અને ધ્યાન પ્રયોગમાં પસાર થવાથી ખ્યાલ આવે છે કે મારો મૂળ સ્વભાવ અંતર્મુખી છે. કર્તવ્ય નિર્વાહના કારણે સહજ રીતે બહિર્મુખતા થવા લાગી અને અંતર્મુખતાને હું ભૂલવા લાગ્યો પણ એ મારો મૂળ સ્વભાવ નથી. જેનો સ્વભાવ અંતર્મુખી હોય એને એકાંત, ધ્યાન, મૌન ગમશે અને આવા લોકો ભીડથી દૂર ભાગશે, વધુ બોલવાનું ટાળશે, પોતાની મસ્તીમાં ડૂબેલા રહેશે.
માણસે એની મૂળ પ્રકૃતિ પારખતાં શીખવું જોઈએ. બહિર્મુખી મેનેજમેન્ટ સારું કરી શકશે, આ માર્ગ બહાર તરફ ખુલે છે. અંતર્મુખી અધ્યાત્મની ઊંચાઈને પકડી શકશે કેમકે આ માર્ગ ભીતર તરફ ખુલે છે. એક શક્તિનો માર્ગ છે અને બીજો શાંતિનો. શક્તિના માર્ગમાં અહંકાર અને સંઘર્ષ છે, શાંતિના માર્ગમાં નમ્રતા અને સ્વીકાર ભાવ છે.~ *સમણજી*