વ્હાલા વિદ્યાર્થીઓ અને યુવાનો ! આપણે બહુ જ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ, માનવીય મૂલ્યો વિસરાઈ રહ્યા છે. ચારેય બાજુ અંધારું છવાઈ રહ્યું છે. આશાની કિરણ બહુ જ દૂર છે. આવી સ્થિતિમાં મનથી વધુ સ્ટ્રોંગ થવાની જરૂર છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સંપૂર્ણપણે તૈયાર રહેવું પડશે. જૂની પેઢી અને એમાંય સફળતાની ટોચ પર બેઠેલાં લોકો માત્ર આંધળી આર્થિક દોડમાં લાગેલા છે. એ લોકો માનવતાનું ભારે નુકસાન કરવાની ફિરાકમાં છે. માટે વિદ્યાર્થીઓએ અને યુવાનોએ હવે વધુ સજાગ થવાની જરૂર છે. આવી સંકટની ઘડીમાં સમયની બરબાદી જીવનની બરબાદી છે - એમ સમજજો અને સાવધાન થઇ જીવન વિશે પુનર્વિચાર કરજો. પરિસ્થિતિ છે તે છે, એમાંથી કોઈ પણ રીતે બહાર આવી મહાજીવન તરફ આગળ વધવાનું છે. એ દિશામાં નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે એ હેતુથી વિદ્યાર્થીઓ અને યુવાનો માટે સ્પેશિયલ લાઈફ લેશન ચાલુ કરી રહ્યો છું. આશા છે આ આપણને ઉપયોગી થશે. સમણ શ્રુતપ્રજ્ઞજી
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
લેશન: 1: પૂછો તમારી જાતને ત્રણ પ્રશ્નો વ્હાલા વિદ્યાર્થીઓ અને યુવાનો કબીરજીએ કહેલી એક વાત હું ક્યારેય ભૂલતો નથી - "તારો જન્મ થયો ત્યારે રડ્યો હતો, પરંતુ દુનિયાના લોકોએ હસીને તારી ખુશી મનાવી હતી. હવે એવું જીવન જીવજે કે તું મરે ત્યારે તારા ચહેરા પર હાસ્ય હોય, પણ તારી પાછળ જગત રડતું હોય."આજે આપણે જે બહુ દૂર છે - ચંદ્ર અને મંગળ, તેની નજીક જઈ રહ્યા છીએ, આજે એકબીજા સાથે સંપર્કમાં રહી શકાય તેવા માધ્યમો - વૉટ્સઅપ અને ઇન્સટ્રાગ્રામ, ઇમેઇલ અને ફેસબુક આપણી પાસે છે અને છતાં માનવી એકબીજાથી જેટલો વિખૂટો આજે છે, આટલો વિખૂટો ક્યારેય નહતો. આપણે માનવજાત સાથેનો સ્પર્શ જ જાણે ખોઈ બેઠાં છીએ. જીવનના મૂળ ધ્યેય સાથેનો નાતો જ જાણે તૂટી ગયો છે. જે વસ્તુ જીવનમાં મહત્ત્વની છે એ જ આપણી નજર બહાર થઇ ગઈ છે. આજે ત્રણ પ્રશ્નો તમારી જાતને પૂછજો - 1. આ ગ્રહ પર તમને જીવવાનો અવસર મળ્યો છે તો તમે કેટલા લોકોના જીવનને સ્પર્શશો? 2. તમારા જીવનનો પ્રભાવ તમારી આજુબાજુના લોકો પર શું હશે? 3. જીવનના અંતિમ શ્વાસ લીધા પછી તમારી પાછળ તમે કયો વારસો મૂકીને જશો? મારા પોતાના જીવનમાંથી હું એક બોધપાઠ શીખ્યો છું: જો જીવનમાં તમે કાંઈ જ કામ નહિ કરો તો જીવન તેની આદત મુજબ તમારા પર હાવી થઇ જશે. કલાકો, દિવસો। મહિનાઓ અને વર્ષો એમને એમ સરકતા જશે અને એમ કરતા કરતા જોતજોતામાં આ બહુમૂલ્ય જીવન પૂરું થઇ જશે. પછી તમારી પાસે શું બચશે? જીવન ન જીવી શક્યાનો ભારોભાર વસવસો. - સમણ શ્રુતપ્રજ્ઞજી