આપણે બધા જોડાયેલા છીએ - આ વાક્ય આપણે લોકોએ કેટલીય વાર કાનથી સાંભળ્યું હશે, આપણને બૌદ્ધિક રીતે એ સ્પષ્ટપણે ખબર છે કે આ વાત સાચી છે. આપણામાંથી ઘણાને આ સત્યનો અનુભવ થયો હશે કે આપણે બધા જોડાયેલા છીએ. સામાન્ય રીતે આપણી આદત અલગ અલગ અને સ્વતંત્ર રીતે રહેવાની છે, કેમકે એમાં આપણને સુખનો ભાસ થાય છે. પ્રકૃતિ આપણને આ આદતમાંથી ઘણીવાર સીધી કે આડકતરી રીતે બહાર લાવે છે અને બીજા લોકોનું કેટલું મૂલ્ય છે એ સમજાવે છે.
આ સંકટના સમયે આપણે એવા કેટલાય લોકો સાથે ફોન કરીને લાગણીશીલ થઈને વાતો કરી હશે કે જેમને આપણે કેટલાય સમયથી મળ્યા પણ નહિ હોઈએ. આવા સમયે કેમ એમનું સાન્નિધ્ય મિસ કરીએ છીએ? આનું કારણ છે કે સ્વભાવથી આપણે જોડાયેલા છીએ અને એકબીજા સાથે આપણું સુખ દુઃખ પણ જોડાયેલું છે. વર્તમાન સ્થિતિના નિમિતે 'આપણે બધા જોડાયેલા છીએ' - આ વાત નાટકીય રીતે દ્રશ્યમાન થઈને આંખોની સામે દેખાય છે.
આજે લોકડાઉનની આ સ્થિતિમાં કદાચ આપણે એકબીજાથી શારીરિક રીતે દૂર હોઈએ તો પણ આપણે વધુ સ્પષ્ટપણે જોઈ શકીયે છીએ કે બીજા મનુષ્યનું ભાગ્ય આપણા ભાગ્ય સાથે કેવી રીતે જોડાયેલું અને ગૂંથાયેલું છે. એટલું જ નહિ પ્રકૃતિનું દરેક સર્જન એકબીજા સાથે સંબંધના ગહેરા તાંતણે બંધાયેલું છે. પ્રકૃતિમાં ક્યાંય પણ એક તત્ત્વનું સંતુલન બગડે છે ત્યારે એની સાથે જોડાયેલું અન્ય તત્ત્વ એનાથી પ્રભાવિત થાય છે. આ સનાતન સત્યને ક્યારેય નજરઅંદાજ ન કરશો.