કોઈએ સરસ કહ્યું છે - " જયારે મૂડ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ન બોલવો કારણકે મૂડ સુધારવા લોકો મળી જશે પણ શબ્દો સુધારવા મોકો નહિ મળે". આ જીવનની એક વાસ્તવિકતા છે. માણસનો મૂડ બગડેલ હોય છે ત્યારે એ બોલ્યા વગર રહી શકતો નથી, અંદર એટલી આંટી ઘૂંટી ચાલે છે કે બોલી નાખે ત્યારે જ એ જીવને શાંતિ લાગે છે પણ આવી શાંતિ એની પોતાની જ શાંતિ ભંગ કરી નાખે છે. અશાંતિની નવી પરંપરા ઉભી કરે છે.
બગેડેલા મૂડમાં એ જે બોલશે એ શબ્દો સામલાને તીરની જેમ ચૂભે છે. બોલ્યા પછી માણસને પછતાવો પણ થાય પણ એવા પસ્તાવાનો કોઈ અર્થ નથી. માણસને મૂડમાં લાવવા લોકો મળી જશે પણ તમારા દ્વારા બોલાયેલા શબ્દોને કોઈ નહિ સુધારી શકે. જાગૃત માણસ એ છે જે બોલતા પહેલા સારી પેઠે વિચારી લે કે હું જે કઈ બોલીશ એનાથી મારી કે અન્યની અશાંતિ તો ઉભી નહિ થાય ને ! બોલવા પછી પછતાવો કરવા કરતાં બોલ્યા પહેલા વિચારી લેવું વધુ સારું અને લાભનું કારણ છે.
- સમણ શ્રુતપ્રજ્ઞજી
તા.16 માર્ચ 2019