મેરુ તો ડગે પણ જેના મન ના ડગે રે
Peace of Mind

ગંગાસતી સૌરાષ્ટ્રનું એક અદભૂત પાત્ર છે. આધ્યાત્મિક વિકાસ કરવા ઝંખતા માનવી માટે એમના પદો ટોનિક સમાન છે. એમના પદો ગુજરાતના ઘરે ઘરે ગવાય છે. આ પદોને ધ્યાનથી સાંભળી એના પર આત્મ ચિંતન કરીએ તો અદભૂત રત્નો મળે અને જીવનની દિશા બદલાયા વિના રહે નહિ. કેમ કે એમની વાણીમાં આત્મજ્ઞાનની ગંધ છે. 

એમનું એક પદ છે - મેરુ તો ડગે પણ જેના મન ના ડગે રે - અદભૂત ભજન છે. એ કહે છે સાચો હરિભક્ત કોણ છે? વિપદ પડે પણ વણસે નહિ ઈ તો હરિજનના પરમાણ રે - ગમે એટલી વિપત્તિ આવે છતાં જે વિચલિત ન થાય એ સાચો હરિભક્ત છે. આપણે સામાન્ય મુશ્કેલી આવે એટલે સંકલ્પ અને અધ્યાત્મ માર્ગથી હલી જતા હોઈએ છીએ. ગમે એટલી મુશ્કેલી આવે સ્વીકારેલા માર્ગથી વિચલિત ન થવું એમાં જ સાચું શાણપણ છે. 

આગળ એ કહે છે - ભાઈ રે નિત્ય રહેવું સત્સંગમાં ને, જેને આઠે પહોર આનંદ રે, - માનવીને કુસંગની જન્મો જન્મની આદત છે, સત્સંગની આદત પાડવી પડે છે. સત્સંગમાં રહેશો તો આઠે પહોર આનંદમાં રહી શકશો. માણસ દુઃખમાં ભગવાનને ભજે છે. દુઃખમાં ભજનમાં સ્થિરતા રહેવી અઘરી છે. સુખમાં પ્રભુને ભજો, આત્માનું ધ્યાન ધરો તો દુઃખમાં દુઃખી નહિ થાઓ.  

Add Comment