‘દરેક ધર્મ ગ્રંથોમાં મિલાવટ થઇ છે. મૂળ જ્ઞાનીઓએ આપેલું જ્ઞાન આપણે શુદ્ધ રહેવા દીધું નથી. પાખંડીઓએ એમાં પોતાના સ્વાર્થવશ ઘણું ભેળવ્યું છે. બધા ધર્મોની જેમ જૈન ધર્મમાં પણ ઘણી ભેળસેળ થઇ છે. ભગવાન મહાવીર આજે આવીને જોવે તો એમને નવાઈ લાગે કે આ ધર્મ એ જ છે જે હું મૂકીને ગયો હતો. લોકોએ ધર્મને એટલો ચૂંથી નાખ્યો છે કે એને સામાન્ય માણસ માટે જીવવા જેવો રહેવા દીધો નથી. ધર્મ સાવ જ સરળ અને સીધો છે. આપણે લોકોએ એને ખૂબ જ જટિલ અને ન સમજાય તેવો બનાવી દીધો છે. ધર્મને ક્રિયાકાંડના વિચિત્ર કપડાં પહેરાવી દીધા છે જેના કારણે આજની યુવા પેઢી ધર્મથી દૂર ભાગી રહી છે. મારો પ્રયાસ આ જટિલ ધર્મને બને એટલો વાસ્તવિક, સરળ અને જીવવા લાયક બનાવવાનો છે. મહાવીરે જે રીતે ધર્મને સમજાવ્યો હતો આપણે એનાથી ઘણાં ઉલ્ટા માર્ગે નીકળી ગયા છીએ.