*પ્રવાસ : મંજિલ કરતાં માર્ગનું શિક્ષણ*
_પ્રવાસ દરમ્યાન રસ્તામાં આવતી દરેક બાબત કંઈક શીખવે છે અને જો દૃષ્ટિ હોય તો રસ્તા પર મૂકેલું દરેક પગલું જીવનનું માર્ગદર્શક બની જાય છે_
--------------------------------------
*પ્રવાસ એટલે શું?:*
પ્રવાસ માત્ર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાનું નામ નથી. પ્રવાસ એટલે પોતાની જોયેલી દુનિયાની બહાર નીકળીને જીવનને નજીકથી જોવાની, સમજવાની અને અનુભવવાની પ્રક્રિયા. કેટલાક રસ્તા સીધા હોય છે, કેટલાક કઠિન હોય છે, કેટલાક અજાણ્યા હોય છે અને કેટલાક રસ્તાઓ આપણને એવી જગ્યાએ લઈ જાય છે, જ્યાં પહોંચવાની આપણે ક્યારેય કલ્પના પણ કરી ન હોય. પરંતુ પ્રવાસની સૌથી સુંદર વાત એ છે કે *મંજિલ કરતાં માર્ગ આપણને વધારે શીખવે છે.*
*પ્રવાસમાં અધ્યાત્મ:*
આપણી આધ્યાત્મિક પરંપરાઓમાં પણ પ્રવાસ અને વિચરણને વિશેષ સ્થાન મળ્યું છે. શ્રીકૃષ્ણનું જીવન અનેક યાત્રાઓ અને સ્થળાંતરોથી ભરેલું હતું. ભગવાન મહાવીર સતત વિહાર કરતા રહ્યા; તેમના વિહાર સાથે જોડાયેલી ભૂમિને કારણે જ ‘બિહાર’ નામ પ્રચલિત થયું. ભગવાન બુદ્ધ પણ એ જ બિહાર ભૂમિ પર સતત વિચરણ કરતા રહ્યા.
આ મહાન પુરુષો એક જગ્યાએ સ્થિર રહીને માત્ર લોકોને પોતાની પાસે બોલાવતા નહોતા. તેઓ પોતે લોકો સુધી જતા. રસ્તા પર પગે ચાલતા, લોકોને મળતા, એમને સમજાવતા અને આધ્યાત્મિક જાગૃતિના દીવડા પ્રગટાવતા. એટલે આધ્યાત્મિક પ્રવાસ માત્ર બહારની યાત્રા નથી. તે બહારથી અંદરની તરફ જતી યાત્રા પણ છે.
*પ્રવાસે: મારું જીવન ઘડ્યું:*
મારા પોતાના જીવનમાં પણ પ્રવાસે મને ઘણું આપ્યું છે. ૧૯૮૪થી ભારતભરમાં ભ્રમણ કરવાની શરૂઆત થઈ. હજારો યુવાનો સાથે જીવન-વિષયક સંવાદ અને સેમિનારો કરવાની તક મળી. ૧૯૯૨થી વિદેશયાત્રાઓ શરૂ થઈ અને ત્યારથી વિશ્વના અનેક દેશોમાં લાખો લોકોના સંપર્કમાં આવવાનું બન્યું.
આ લાંબી યાત્રામાં મેં માત્ર સ્થળો નથી જોયાં; માણસોને જોયા છે, એમના જીવનને જોયું છે, સંસ્કૃતિઓને સમજવાનો પ્રયત્ન કર્યો છે અને પોતાની જાતને પણ એ દર્પણમાં જોવાની અને સંવારવાની કોશિશ કરી છે. દરેક પ્રવાસે કંઈક શીખવ્યું છે. કોઈએ નમ્રતા શીખવી, કોઈએ ધીરજ. કોઈએ સહનશીલતા શીખવી, તો કોઈએ માનવતાના અધૂરા રહેલા પાઠ ભણાવ્યા.
પ્રવાસ સાથે મારા જ્ઞાનમાં વધારો થયો, પરંતુ કદાચ તેનાથી પણ વધારે વિવેક અને નમ્રતામાં વધારો થયો. દુનિયા કેટલી વિશાળ છે અને આપણું પોતાનું જ્ઞાન અને સમજણ કેટલી મર્યાદિત છે - આ વાસ્તવિકતાની અનુભૂતિ પ્રવાસ દ્વારા સહજ રીતે થઈ છે.
*વિભિન્ન ધર્મોમાં પ્રવાસ:*
*હિન્દુ પરંપરામાં* ‘તીર્થયાત્રા’ ભક્તિ, આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ સાથે જોડાયેલી રહી છે.
*જૈન પરંપરામાં* તીર્થયાત્રા અને વિહાર બંનેનું વિશેષ મહત્ત્વ છે. તીર્થંકરો અને સાધુઓના પાવન સ્પર્શથી જોડાયેલા વિહાર અને પગપાળા વિચરણ સંયમ, અહિંસા અને સાધના-જીવન સાથે જોડાયેલું છે.
*બૌદ્ધ પરંપરામાં* ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલા લુંબિની, બોધગયા, સારનાથ અને કુશીનગર જેવા ચાર મુખ્ય પવિત્ર સ્થળોની યાત્રા વિશેષ મહત્ત્વ ધરાવે છે; આ યાત્રા બુદ્ધના જન્મ, બોધિ, ધર્મ-પ્રવર્તન અને મહાપરિનિર્વાણની સ્મૃતિ સાથે જોડાયેલી છે.
*ખ્રિસ્તી પરંપરામાં* પવિત્ર ભૂમિ - ખાસ કરીને જેરુશલેમની યાત્રા ઈસુ ખ્રિસ્તના જીવન, ઉપદેશ, અને પુનરુત્થાન સાથે જોડાયેલી યાત્રા પ્રાર્થના, આધ્યાત્મિક નવીકરણ અને જીવનમાં પરિવર્તન માટેની તક તરીકે જોવામાં આવે છે.
*ઇસ્લામ પરંપરામાં* મક્કાની હજ યાત્રા તો ઈસ્લામના પાંચ મૂળ સ્તંભોમાંની એક છે; શારીરિક અને આર્થિક રીતે સક્ષમ મુસ્લિમ માટે જીવનમાં ઓછામાં ઓછી એક વખત હજ કરવી ધાર્મિક ફરજ માનવામાં આવે છે.
આ રીતે જોઈએ તો વિવિધ ધર્મોની ભાષા અને પરંપરા અલગ હોવા છતાં એક સુંદર આંતરિક સત્ય સામે આવે છે કે, યાત્રા માણસને પોતાની મર્યાદિત દુનિયામાંથી બહાર કાઢીને વિશાળ જીવન સાથે જોડે છે અને ઘણી વાર બહારની યાત્રા અંતે અંદરની યાત્રાનું દ્વાર ખોલે છે.
*તપોવન : જ્યાં પ્રવાસ પણ શિક્ષણ છે:*
તપોવન, ઘુમલી માટે પ્રવાસ માત્ર મનોરંજન નથી. તે શિક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. બાળકને પુસ્તકમાંથી ઇતિહાસ ભણાવી શકાય, પરંતુ જ્યારે તે ઐતિહાસિક સ્થળની સામે ઊભું રહે છે ત્યારે ઇતિહાસ જીવંત બની જાય છે.
પુસ્તક પ્રકૃતિ વિશે સમજાવી શકે, પરંતુ પ્રકૃતિની વચ્ચે થોડો સમય વિતાવવાથી જે સંવેદના જન્મે છે, તે શબ્દોમાં સમજાવવી મુશ્કેલ છે.
'પુસ્તક સિદ્ધાંત આપી શકે છે;
પ્રવાસ પ્રયોગ આપે છે.'
'પુસ્તક જ્ઞાન આપી શકે છે;
પ્રવાસ અનુભવ આપે છે.'
અને અનુભવમાંથી જે સમજણ જન્મે છે, તે ઘણી વખત જીવનભર સાથે રહે છે. પ્રવાસ બાળકને માત્ર બહારની દુનિયા નથી બતાવતો; તે તેને પોતાના અંદરના ગુણો સાથે પણ પરિચિત કરાવે છે - ધીરજ કેટલી છે? મુશ્કેલીમાં મન કેવી રીતે વર્તે છે? સહ-પ્રવાસી માટે કેટલું સમાયોજન કરી શકું છું? થાકી જાઉં ત્યારે પણ આનંદ જાળવી શકું છું? અજાણી વ્યક્તિ પ્રત્યે કેટલો વિશ્વાસ અને સન્માન રાખી શકું છું? - આ બધા પ્રશ્નોના જવાબ વર્ગખંડમાં નહીં, પરંતુ જીવનના રસ્તા પર મળે છે.
*ઘુમલીથી ગાંધીનગર : એક વિચાર, એક સાહસ, એક પાઠશાળા:*
તપોવન, ઘુમલી અને પુરુષાર્થ વિદ્યાનિકેતન, ભાણવડના નિયામક શ્રી ભીમસીભાઈ કરમૂરના કુશળ માર્ગદર્શન હેઠળ અનેક પ્રવાસો થયા છે. પરંતુ નવલખા, ઘુમલીની પ્રાચીન વિરાસતથી લઈને આધુનિક ભારતના મહત્વપૂર્ણ પાટનગર ગાંધીનગર સુધીનો ‘પેડલથી પાઠશાળા’ પ્રવાસ ખરેખર એક અનોખો શૈક્ષણિક પ્રયોગ છે.
આજના સમયમાં, જ્યારે બાળકોનું જીવન વધુને વધુ સુવિધાઓથી ઘેરાતું જાય છે, ત્યારે તેમને સાયકલના પેડલ પર બેસાડીને લાંબા માર્ગ પર લઈ જવાનો વિચાર માત્ર સાહસ નથી — તે દૂરંદેશી શિક્ષણદૃષ્ટિ પણ છે. જે ભીમસીભાઈના ૨૫ વર્ષના લાંબા શૈક્ષણિક અનુભવનો નિચોડ છે.
*પ્રવાસની અનિવાર્યતા:*
આજે AI ના આ નવા યુગમાં બુદ્ધિનો સમય અને બુદ્ધિને વિકસિત કરવા અપાતું પારંપરિક શિક્ષણ હવે ઓક્સિજન પર છે. આજની પેઢીને હવે પારંપરિક બૌદ્ધિક શિક્ષણની જરૂર નથી, એ તો AI દ્વારા વધુ સહેલાઈથી મળી જશે. હવે એમને જરૂર છે અનુભવના પ્રાયોગિક શિક્ષણની, જીવનનું વ્યવહારિક અને આધ્યાત્મિક રીતે ઘડતર કરે એવા શિક્ષણની.
આ બાળકો રસ્તા પર માત્ર સાયકલ નહીં ચલાવે -
~ તેઓ તન અને મનની નવી ઉર્જા ચલાવશે.
~ એક બીજા પ્રત્યે સહકાર શીખશે.
~ શિસ્તને જીવન વ્યવહારમાં જીવશે.
~ જીવનના રસ્તે આવતી મુશ્કેલીઓને સ્વીકારશે.
~ અને સાયકલના દરેક પેડલે પોતાના સામર્થ્યને ઓળખશે.
રસ્તામાં ક્યારેક થાક લાગશે, ક્યારેક મુશ્કેલી આવશે, ક્યારેક અપેક્ષા પ્રમાણે નહીં બને. પરંતુ કદાચ એ જ ક્ષણો સૌથી મોટા શિક્ષક બનશે. કારણ કે જીવનમાં પણ બધો માર્ગ સીધો અને સપાટ ક્યાં હોય છે?
*આ PDF પુસ્તિકા : પ્રવાસની એક જીવંત સ્મૃતિ:*
આ પુસ્તિકા પણ આ યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. રસ્તામાં જે લોકો મળશે, તેમના સુધી આ પુસ્તક પહોંચશે. કદાચ વર્ષો પછી કોઈ વિદ્યાર્થી આ પુસ્તકનાં પાનાં ખોલશે અને પોતાના જ લખેલા શબ્દો વાંચશે. ત્યારે તેને માત્ર એક પ્રવાસ યાદ નહીં આવે; તેને પોતાનું બાળપણ, પોતાના સાથીઓ, રસ્તાઓ પરનાં દિવસો, થાક, હાસ્ય, સંઘર્ષ અને શીખેલી વાતો — આખી એક દુનિયા ફરીથી યાદ આવશે.
~ એટલે આ પુસ્તક માત્ર પ્રવાસની પુસ્તિકા નથી.
~ આ એક જીવંત સ્મૃતિ છે.
~ આ એક શૈક્ષણિક દસ્તાવેજ છે.
~ આ એક પેઢીના અનુભવનો વારસો છે.
*શુભેચ્છાઓ:*
મારી હૃદયપૂર્વકની શુભકામના છે કે આ યાત્રા બાળકોના જીવનમાં માત્ર થોડા નવીન દિવસો જ નહીં ઉમેરે, પણ જીવનભરની દૃષ્ટિ ઉમેરશે - એવી શ્રદ્ધા છે.
તેઓ જ્યાં જાય ત્યાં કંઈક શીખે, જેને મળે તેને કંઈક આપે, જે મુશ્કેલી આવે તેને સ્વીકારે અને જ્યાંથી પસાર થાય ત્યાં કોઈના જીવનમાં આશાનો એક નાનો દીવો પ્રગટાવે.
અંતે, પ્રવાસની સાચી સફળતા એ નથી કે આપણે કેટલા કિલોમીટર ચાલ્યા. સાચી સફળતા તો એ છે કે — કેટલા અનુભવો મેળવ્યા,
કેટલા હૃદયોને સ્પર્શ્યા,
કેટલું શીખ્યા અને પ્રવાસથી પાછા ફરીએ ત્યારે
આપણે કેટલા બદલાયા?
— સમણ શ્રુતપ્રજ્ઞજી
Spiritual Mentor | Author | Speaker
(પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન, રાજકોટ)