Blogs Details

*આત્માનું યૌવન : પર્યુષણનો શાશ્વત સંદેશ*  *– પૂજ્ય  સમણ શ્રી શ્રુતપ્રજ્ઞ*

Peace of Mind

પર્યુષણ જૈન પરંપરાનો માત્ર સૌથી મહાન પર્વ નથી; તે *આત્મા તરફ પરત ફરવાની યાત્રા* છે. આ પર્વ આપણને બહારની દુનિયાના કોલાહલમાંથી અંતરના મૌનમાં લઈ જાય છે. આખું વર્ષ આપણે દુનિયાને મળીએ છીએ, પરંતુ પર્યુષણના આઠ દિવસ પોતાની જાતને મળવાનો અવસર આપે છે. આજનો માણસ શરીરને યુવાન રાખવા માટે અસંખ્ય પ્રયત્નો કરે છે. વ્યાયામ, આહાર, ઔષધિઓ અને સૌંદર્ય પ્રસાધનો દ્વારા શરીરની યુવાની જાળવવા માંગે છે. પરંતુ ભગવાન મહાવીર સ્વામી આપણને યાદ અપાવે છે કે શરીર ક્ષણભંગુર છે. તેનો જન્મ છે, વિકાસ છે અને અંત પણ છે. શરીરની શક્તિ, સુંદરતા અને યુવાની સમયની ભેટ છે; એક દિવસ તે ઢળી જવાની છે.

પરંતુ *આત્માનું યૌવન ક્યારેય વૃદ્ધ થતું નથી.* આત્મા અજર છે, અમર છે અને શાશ્વત છે. જ્યારે મનુષ્ય પોતાના અંતરમાં રહેલા આત્મસ્વરૂપને ઓળખે છે, ત્યારે જીવનમાં નવી ચેતના, નવી ઊર્જા અને અખૂટ આનંદનો ઉદય થાય છે. આ જ આત્માનું સાચું યૌવન છે. શરીરની મસ્તી માણસને અહંકાર તરફ દોરી જાય છે, જ્યારે આત્માનું યૌવન વિનમ્રતા, સમતા અને કરુણાથી જીવનને મહેકાવે છે. શરીરની શક્તિ બીજાઓને જીતવાની પ્રેરણા આપે છે, પરંતુ આત્માની શક્તિ પોતાના ક્રોધ, માન, માયા અને લોભ પર વિજય અપાવે છે. ભગવાન મહાવીરે આ આંતરિક વિજયને જ સાચી *વીરતા* કહી છે. પર્યુષણનો દરેક દિવસ આપણને પૂછે છે—**શું હું દુનિયાને બદલવા નીકળ્યો છું કે પોતાને બદલવા તૈયાર થયો છું?*

*પર્યુષણ : પરંપરા નહીં, આત્મપરિવર્તનનો પ્રયોગ:*
પર્યુષણ માત્ર એક ધાર્મિક પરંપરા નથી; *તે આત્મજ્ઞાન તરફ જવાનો જીવંત પ્રયોગ છે.* આ પર્વ માત્ર પંચાંગમાં નોંધાયેલો તહેવાર નથી, પરંતુ પોતાના જીવનને નવી દિશા આપવાનો અવસર છે. પર્યુષણ માત્ર દેહને ભૂખે રાખવાની વાત નથી;  *તે આત્માની નજીક જવાની સાધના છે.* ઉપવાસનો અર્થ માત્ર અન્નનો ત્યાગ નથી, પરંતુ ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, આસક્તિ અને વિષયવાસનાના આહારનો ત્યાગ પણ છે. પેટ ખાલી રાખવાથી નહીં, પરંતુ મનને હળવું બનાવવાથી આત્માનો અનુભવ થાય છે.

આ પર્વ પારંપરિક રીતે ઘી બોલી કરીને પૈસાનું પ્રદર્શન કરવાનો કે અહંકારને પોષવાનો પ્રસંગ નથી. ધર્મ જો અહંકારને મોટો બનાવે તો તે ધર્મ નથી. સાચો ધર્મ આપણું મૂલ્ય પદાર્થોમાંથી કાઢીને *પરમાત્મા તરફ વાળે છે.* પર્યુષણ શીખવે છે કે મારી ઓળખ મારા ધનથી નહીં, પરંતુ મારા ધર્મથી છે; મારા વૈભવથી નહીં, પરંતુ મારા વૈરાગ્યથી છે. આ પર્વ બહિર્મુખી દેખાદેખી માટે નથી;  *અંતર્મુખી બની ધ્યાનમાં ઊતરવા માટે છે.* આ દિવસો બીજાના દોષો શોધવા માટે નહીં, પરંતુ પોતાના જીવનનું *અવલોકન, સંશોધન અને સ્વબોધન* કરવા માટે છે. પર્યુષણનો સાચો પ્રશ્ન છે —*"હું કોણ છું? મારી અંદર હજુ કયો કષાય જીવંત છે? અને હું આત્માથી કેટલો દૂર છું?"*

*દિવ્ય ધ્વનિ : બહાર નહીં, અંદર સાંભળવાની છે:*
જૈન પરંપરા કહે છે કે તીર્થંકર પરમાત્માના શ્રીમુખમાંથી *દિવ્ય ધ્વનિ* પ્રગટ થાય છે. પરંતુ દિવ્ય ધ્વનિનો સાચો અનુભવ ત્યારે થાય છે, જ્યારે મન શાંત બને, કષાયો ઓગળે અને અંતઃકરણ નિર્મળ બને. ત્યારે આત્મામાંથી વિવેકની, સત્યની અને જાગૃતિની ધ્વનિ સંભળાવા લાગે છે. પર્યુષણનો હેતુ માત્ર પ્રવચનો સાંભળવાનો નથી, પરંતુ *પોતાની અંદરથી ઉદ્ભવતી દિવ્ય ધ્વનિને સાંભળવાનો છે.* બહારનો અવાજ આપણને માહિતી આપે છે; અંદરની દિવ્ય ધ્વનિ આપણને પરિવર્તિત કરે છે.

*પ્રતિક્રમણ : જીવનનું આત્મસંશોધન:*
પર્યુષણની સૌથી મહાન સાધનાઓમાંની એક છે *પ્રતિક્રમણ.* દુર્ભાગ્યે ઘણીવાર તે માત્ર રોબોટિક દૈનિક વિધિ બનીને રહી જાય છે. પ્રતિક્રમણનો અર્થ માત્ર ગ્રંથમાં લખેલા સૂત્રો બોલી દેવાનો નથી. જો આપણે રોબોટની જેમ સૂત્રો બોલીએ અને જીવનમાં કોઈ પરિવર્તન ન આવે, તો તે પ્રતિક્રમણ નહીં, માત્ર પોપટિયો પાઠ છે.

*પ્રતિક્રમણ એટલે પાછા ફરવું — પોતાની પાસે પાછા ફરવું.* પોતાના વિચારો, વાણી અને વર્તનનું નિષ્પક્ષ નિરીક્ષણ કરવું. મેં કોને દુઃખ આપ્યું? ક્યાં મારો ક્રોધ શબ્દો બનીને કોઈના ઉપર ત્રાટક્યો? ક્યાં અહંકાર ઊભો થયો? ક્યાં લોભે મને હરાવ્યો? આ પ્રશ્નોના નિખાલસ જવાબો જ સાચા પ્રતિક્રમણની શરૂઆત છે. પ્રતિક્રમણ એ દોષોની યાદી બોલવાની વિધિ નથી; *દોષો છોડવાની પ્રયોગશાળા છે.*

*સામાયિક : સમય નહીં, સમતાની અવસ્થા:*
એ જ રીતે *સામાયિક* પણ માત્ર અડતાલીસ મિનિટ બેસી રહેવાનું નામ નથી. માત્ર *દ્રવ્ય સામાયિક* કરી લેવાથી સમતા આવતી નથી અને કષાયો ઓગળતા નથી. સાચી સામાયિક ત્યારે થાય છે, જ્યારે મન રાગ-દ્વેષથી ઉપર ઊઠે, મિત્ર અને શત્રુ વચ્ચેનો ભેદ ઓગળે, સુખ-દુઃખ, લાભ-હાનિ અને માન-અપમાનમાં સમભાવ પ્રગટે. સામાયિક ઘડિયાળનો સમય નથી; માત્ર 48 મિનિટની સાધના નથી, આ *ચેતનાની સ્થિતિ છે.* કોઈ પણ સ્થિતિમાં મન પ્રતિક્રિયા કર્યા વગર સાક્ષી ભાવમાં રહે એવું ઉત્તમ સાધના છે.  જો પ્રતિક્રમણ પછી પણ ક્રોધ યથાવત્ રહે અને સામાયિક પછી પણ અહંકાર અકબંધ રહે, તો આપણે વિધિ તો કરી, પરંતુ ધર્મને જીવ્યા નથી.

પર્યુષણ આપણને માત્ર ધાર્મિક *ક્રિયાઓ* કરવા માટે નહીં, પરંતુ *આંતરિક ક્રાંતિ* કરવા માટે આમંત્રિત કરે છે. ચાલો, આ પર્યુષણમાં માત્ર ઉપવાસ ન કરીએ — સાથોસાથ *અહંકારનો પણ ઉપવાસ કરીએ.* માત્ર એકાસણ ન કરીએ — *ચંચળ મનને પણ એક સ્થાને બેસાડીએ.* માત્ર ક્ષમાપના ન માંગીએ — *હૃદયપૂર્વક ક્ષમાભાવમાં  જીવીએ.* માત્ર મંદિરમાં દીવો ન પ્રગટાવીએ — *આત્મામાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો દીવો પણ પ્રગટાવીએ.*

જ્યારે ઉપવાસ સાથે ઉપશમ જોડાશે, પ્રતિક્રમણ સાથે આત્મસંશોધન જોડાશે, સામાયિક સાથે સમતા જોડાશે અને બહારના કોલાહલ વચ્ચે પણ અંતરના મૌનમાં દિવ્ય ધ્વનિ સંભળાવા લાગશે — ત્યારે જ પર્યુષણનો સાચો અર્થ આપણા જીવનમાં ઉતરશે.

*પર્યુષણના પાંચ જીવનસૂત્ર:*
*૧. શરીરની યુવાની ક્ષણિક છે, આત્માનું યૌવન શાશ્વત છે:*
પર્યુષણ આત્માના યૌવનનો ઉત્સવ છે.  શરીર વૃદ્ધ થાય છે, પરંતુ આત્મા ક્યારેય વૃદ્ધ થતો નથી. પર્યુષણ શરીરથી આત્મા તરફ વળવાનો પવિત્ર અવસર છે.

*૨. જે પોતાને જીતી લે છે, તે જ સાચો વીર છે:*
પર્યુષણ આંતરિક વિજયનો મહાપર્વ છે. ભગવાન મહાવીરનો સંદેશ બીજાને હરાવવાનો નથી; પોતાના ક્રોધ, માન, માયા અને લોભને જીતવાનો છે.

 *૩. ધર્મનું મૂલ્ય દેખાવમાં નહીં, અંતરની જાગૃતિમાં છે.*
ઉપવાસ, પૂજા, પ્રતિક્રમણ અને સામાયિક ત્યારે જ અર્થપૂર્ણ બને, જ્યારે તે અહંકારને નહીં, પરંતુ આત્મજ્ઞાનને પોષે.

*૪. સંયમ, સમતા અને ક્ષમા — આત્માના શાશ્વત યૌવનના ત્રણ આધારસ્તંભ છે:*
સંયમ જીવનને પવિત્ર બનાવે છે, સમતા મનને સ્થિર કરે છે અને ક્ષમા આત્માને દિવ્ય બનાવે છે.

*૫. પર્યુષણ માત્ર પર્વ નથી; આત્માનું અવલોકન, સંશોધન અને સ્વબોધન કરવાનો પવિત્ર પ્રયોગ છે:*
પર્યુષણનો સાચો હેતુ વિધિઓ પૂર્ણ કરવાનો નથી, પરંતુ પોતાના અંતરમાં રહેલા પરમ ચૈતન્યને ઓળખીને જીવનમાં રૂપાંતર લાવવાનો છે.

*પર્યુષણનો અંતિમ સંદેશ*
"શરીરને શણગારવાથી બાહ્ય વ્યક્તિત્વ સુંદર બને છે, પરંતુ આત્માને જાગૃત કરવાથી જીવન દિવ્ય બને છે. પર્યુષણ દેહથી દેવત્વ, બહિર્મુખતાથી અંતર્મુખતા અને બાહ્ય ધર્મ ક્રિયાથી ચૈતન્ય તરફની યાત્રાનું  મહાપર્વ છે."

*– સમણ શ્રુતપ્રજ્ઞ*