Blogs Details

આરોગ્ય માટેનું પંચામૃત

Peace of Mind

April 29, 2026

આરોગ્ય માટેનું પંચામૃત

~ સમણ શ્રુતપ્રજ્ઞ

આજના ઝડપી યુગમાં આરોગ્યનું મહત્વ અસાધારણ રીતે વધી ગયું છે. ખરેખર જોવામાં આવે તો આજના સમયમાં બીમાર પડવું એક ગુના સમાન બની ગયું છે, કારણ કે જીવનની ગતિ એટલી ઝડપી છે કે બીમારી આપણને દરેક ક્ષેત્રમાં પાછળ ધકેલી દે છે. આજના લોકોની જીવનચર્યા સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે — આહારશૈલી, વિચાર શૈલી અને દૈનિક જીવન શૈલી — આ બધુ જ કંઈક કૃત્રિમ અને અસંતુલિત બની ગયું છે. તેથી આરોગ્ય જાળવવા માટે આ બધામાં પરિવર્તન લાવવું અત્યંત આવશ્યક છે.

શરીરમાં સતત ડેમેજ અને રીપેરીંગની પ્રક્રિયા ચાલતી રહે છે. જ્યારે શરીરમાં ડેમેજની પ્રક્રિયા ઝડપી બને અને રીપેરીંગની પ્રક્રિયા ધીમી પડે ત્યારે જ રોગોની શરૂઆત થાય છે. આજના સમયમાં સતત વધતું પ્રદૂષણ, ખેત-પેદાશોમાં રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઈડ્સનો ઉપયોગ, ખોરાકમાં ભેળસેળ જેવી સમસ્યાઓને કારણે શરીરમાં ડેમેજની પ્રક્રિયા ઝડપી બને છે. પરિણામે શરીર નબળું પડે છે અને શરીરને રોગો ઘેરી લે છે.

આરોગ્ય માટેનું પંચામૃત:

સ્વસ્થ જીવન માટે પાંચ મુખ્ય આધારસ્તંભો ખૂબ જ જરૂરી છે, જેને આરોગ્યનું પંચામૃત કહેવાય છે.

૧. સમ્યક્ શ્રમ:

શારીરિક પ્રવૃત્તિ આરોગ્યનું પ્રથમ પગથિયું છે.

~ ચાલવું શરીર માટે સૌથી સરળ અને અસરકારક વ્યાયામ છે. તે દરેક અંગ સુધી પૂરતો ઓક્સિજન પહોંચાડે છે. બેઠાડું જીવન રોગોનું ઘર છે — તેથી શક્ય હોય ત્યાં સુધી ચાલતા રહેવું જોઈએ.

~ વ્યાયામ દ્વારા શરીરના દરેક અંગ અને માંસપેશીઓ લચીલી બને છે. રોજિંદા જીવનમાં ગર્દન, ખભા, હાથ, કમર, પેટ, ઘુંટણ અને પગ માટેની સૂક્ષ્મ કસરતો કરવી ખૂબ જ લાભદાયક છે.

~ પ્રાણાયામ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. નિયમિત દીર્ઘ શ્વાસ અને કુંભક દ્વારા શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે.

૨. સમ્યક્ ભોજન:

આહાર આપણા આરોગ્યનો મુખ્ય આધાર છે.

~ જ્યાં ત્યાં, જ્યારે ત્યારે અને જે તે ન ખાવું જોઈએ. ખાવામાં સંયમ રાખવો જરૂરી છે અને ભૂખ કરતા થોડું ઓછું ખાવું જોઈએ.

~ બે ભોજન વચ્ચે ઓછામાં ઓછા પાંચ કલાકનું અંતર રાખવું જોઈએ જેથી પાચન યોગ્ય રીતે થઈ શકે.

~ ખોરાકને ખૂબ સારી રીતે ચાવીને ખાવાથી પાચનતંત્ર ઉપર ભાર ઓછો પડે છે.

~ ભોજન સમયે કે તરત પછી પાણી પીવાથી પાચનમાં ખલેલ પડે છે — એટલે આ ટાળવું જોઈએ.

~ રાત્રિભોજન ટાળવું આરોગ્ય માટે ખૂબ જ હિતાવહ છે.

~ રેસ્ટોરેન્ટનું ખાવાનું ટાળવું જોઈએ જેથી તામસિક અને રાજસિક આહારથી બચી શકાય.

~ આહારમાં ઘઉંનું પ્રમાણ ઘટાડીને બાજરી, જવ અને જુવાર જેવા અનાજનો સમાવેશ વધારવો જોઈએ.

~ ખાસ કરીને સુગર, નિમક અને મેંદો — આ ત્રણ સફેદ ઝેરથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે.

૩. સમ્યક્ ચેક અપ:

આરોગ્ય જાળવવા માટે નિયમિત ચેક અપ અનિવાર્ય છે. દર છ મહિને એકવાર બોડી ચેક અપ કરાવવું જોઈએ. ખાસ કરીને વિટામિન D, વિટામિન B12, હીમોગ્લોબિન વગેરેનું નિયમિત પરીક્ષણ કરાવવું જરૂરી છે.

શાકાહારીઓ માટે વિટામિન D મુખ્યત્વે સૂર્યપ્રકાશમાંથી મળે છે, છતાં લોકો આ બાબતે અવગણના કરે છે. તેવી જ રીતે B12 ની કમી હોય તો ડોક્ટરના માર્ગદર્શન હેઠળ તેનો કોર્ષ કરી લેવો જોઈએ.

૪. સમ્યક્ જીવનશૈલી:

આજના લોકોની જીવનશૈલી અનિયમિત અને આળસુ બની ગઈ છે. શરીર વારંવાર રોગોના સંકેતો આપે છે, પરંતુ આપણે તેને અવગણીએ છીએ. પરિણામે ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે.

~ સોશ્યલ મીડીયામાં સમયની બરબાદી થાય છે, જેના કારણે શરીર જકડાય છે અને મન નબળું બને છે.

~ સૂવા અને ઊઠવાનો સમય અનિયમિત થઈ ગયો છે, જેના કારણે શરીર થાક અનુભવે છે.

~ સંયમ એ આરોગ્યની ગુરુ ચાવી છે. ખાવાનો, પીવાનો, સૂવાનો, વાણીનો, વિચારનો, અને એકબીજાને મળવાનો સંયમ કરવાનું જો માણસ શીખી જાય તો બિમારીઓની ઘણી મુશ્કેલીઓ હલ થઈ જાય તેમ છે.  

~ આજની કૃત્રિમ જીવનશૈલી માણસને પ્રકૃતિથી દૂર લઈ ગઈ છે — ખોટી હવા, પાણી અને ખોરાક શરીરને નાની વયે જ વૃદ્ધ બનાવી દે છે.

૫. સમ્યક્ વિચારશૈલી:

આરોગ્ય માત્ર શરીર પૂરતું મર્યાદિત નથી, તે મન સાથે પણ જોડાયેલું છે. આજના સમયમાં નકારાત્મક વિચારો વધતા જાય છે, જેના કારણે મનોબળ ઘટે છે. નિયમિત ધ્યાન અને પ્રેરક અને સાત્ત્વિક પુસ્તકોનું વાંચન આ સમસ્યાનો ઉત્તમ ઉપાય છે. રોજ ૨૦ મિનિટ ધ્યાન અને ૧૫ મિનિટ સાત્વિક વાંચન મનને સ્થિર, સકારાત્મક અને શક્તિશાળી બનાવે છે. સવાર ધ્યાનથી શરૂ કરો અને રાત્રે વાંચનથી પૂર્ણ કરો — આ આદત જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે.

આરોગ્ય એ જીવનનું સાચું ધન છે. સંપત્તિ, પ્રતિષ્ઠા અને સફળતા બધું આરોગ્ય પર આધારિત છે. જો શરીર અને મન સ્વસ્થ હોય તો જીવનમાં કોઈપણ લક્ષ્ય હાંસલ કરવું સરળ બને છે. આજના સમયમાં આરોગ્યને અવગણવું એટલે ભવિષ્ય સાથે અન્યાય કરવો. તેથી સમ્યક્ શ્રમ, સમ્યક્ ભોજન, સમ્યક્ ચેક અપ, સમ્યક્ જીવનચર્યા અને સમ્યક્ વિચારશૈલી — આ પાંચ તત્વોને જીવનમાં અપનાવીને આપણે એક સ્વસ્થ, સંતુલિત અને આનંદમય જીવન જીવી શકીએ છીએ. સાચું સુખ આરોગ્યમાં જ વસે છે — આ સમજણ જ આપણા જીવનને નવી દિશા આપે છે.