Blogs Details

જાગૃત ચેતનાનો પ્રકાશ: વિવિધતામાં એકતા: પૂજ્ય સમણ શ્રુતપ્રજ્ઞજી

Peace of Mind

April 17, 2026

જગતની સૃષ્ટિમાં વિવિધતાનું સૌંદર્ય એ જ સર્વોચ્ચ સત્ય છે! ભાષાઓ, સંસ્કૃતિઓ, ધર્મો, અને વિચારોની આ અનોખી ભિન્નતા જ કુદરતી રચનાનો મહિમા છે. પ્રાચીન ઋષિઓએ આપણને શીખવ્યું છે કે "અનેકાંત" – એટલે અસંખ્ય દૃષ્ટિકોણોથી સત્યની શોધ કરો – એ જ સહજીવનનો આધાર છે. આપણે આજે પણ એ જ પ્રેમ, સમભાવ અને આત્મજ્ઞાનના માર્ગ શાંતિપૂર્વક જીવી શકીએ છીએ.  

લેખનો હેતુ: 

~ વિવિધતાના સાગરમાં એકતાનું અમૃત શોધવું.

~ સ્વાર્થી પ્રચારોને વટાવી આધ્યાત્મિક જ્યોત જગાવવી અને

~  ધર્મના નામે ફેલાતા જુઠા આકર્ષણો સામે સચેત થવાની પ્રેરણા આપવી. 

પ્રભાવનો માર્ગ: પ્રચાર નહિ, પ્રકાશ! 

આજના યુગમાં ધાર્મિક પ્રચારોની હોડ ચરમસીમાએ છે. દરેક "ગુરુ" પોતાની વિચારધારાનું માર્કેટિંગ દ્વારા સામ્રાજ્ય ઊભું કરવામાં મશગૂલ છે. પરંતુ, સાચી આધ્યાત્મિકતા ક્યારેય જોરદાર વિક્રય કરતી નથી! મહાવીર સ્વામી, બુદ્ધ, કૃષ્ણ, કે ઈસુ – કોઈએ પોતાના નામે સંપ્રદાય ઊભો કરવાની લાલસા નહોતી. એમણે તો સત્યનો દીવો જલાવ્યો, જેનો પ્રકાશ સમય અને સીમાઓને ઓળંગીને આજે પણ પ્રજ્વલિત છે.  

"ફૂલને ક્યારેય પોતાની સુગંધનો પ્રચાર કરવો પડતો નથી. હવા એને સ્વયં પ્રસારિત કરે છે."

જ્યારે કોઈ "ધાર્મિક પેકેજ" તમારી સામે ધકેલાય છે, અથવા "મારા સિવાય કોઈ સત્ય નથી" જેવા ભય-પ્રલોભનો બતાવવામાં આવે છે, ત્યારે સાવધાન થઈ જાવ! સત્ય સદાય સરળ અને સ્વાભાવિક હોય છે.

વિવિધતામાં એકતા: શાંતિની સાચી શોધ:

આજે દુનિયા વિખંડન અને વૈમનસ્યના દૈત્યમાં ફસાઈ છે. "ધાર્મિક ગુરુઓ" પોતાની અસ્મિતા માટે શિષ્યોના આંકડાઓ ગણે છે, પરંતુ જ્ઞાની પુરુષો તો મૌનથી જીવન બદલી દે છે! રમણ મહર્ષિના મૌનમાંથી જાગ્યાં હજારો હૃદય, અને મહાવીરના અનેકાંત દર્શને સર્વ ધર્મોને એક સૂત્રમાં ગૂંથ્યા.  

ધ્યાન આપો:

- બુદ્ધે કહ્યું: મારી મૂર્તિ જુઓ તો તોડી નાખજો!"

- કૃષ્ણે કહ્યું: "મારા માર્ગે યોગ્ય લાગે તો ચાલો, મારી પૂજા કરવાની જરૂર નથી."  

- ઈસુએ કહ્યું: "પ્રેમ એ જ પરમ ધર્મ છે."

આવા સાર્વભૌમ સત્યો દરેક ધર્મના હૃદયમાં છે. જ્યારે આપણે એ સત્યને અનુસરીશું, ત્યારે "હિંદુ-જૈન-ખ્રિસ્તી"ના ખોટા ભેદો ઓગળી જશે!  

 સાચા સંતો: લલકારે, લલચાવે નહીં!

સાચા ગુરુ તમને અંધશ્રદ્ધા નહિ, પરખની દૃષ્ટિ આપે છે. એ તમારી અંદર પ્રશ્નો જગાવે છે, સત્યની ઝંખના પ્રગટાવે છે, અને "અપ્પ દીપો ભવ" (તમારો પોતાનો દીવો બનો) ની પ્રેરણા આપે છે. જુઓ, જૈન આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય ખૂબ પહોંચેલા અને સામર્થ્યવાન હતા, એમને કળયુગના સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું હતું. એમને ધાર્યું હોત તો પોતાનો સ્વતંત્ર સમુદાય ઊભો કરી શક્યા હોત અને આજે એમના કરોડો અનુયાયીઓ હોત, પણ એ જાગૃત આત્મા હતા, એ જાણતા હતા કે આમ કરીશ તો હું મહાવીર સ્વામીને વગોવીશ અને મારી આત્માનું પતન કરીશ. આવું કરીને હું મહામોહનીય કર્મથી ગ્રસ્ત બનીશ અને શિષ્યોને પણ ભટકાવી દઈશ. 

રમણ મહર્ષિ અરુણાચલ પર્વત પર મૌન ધારણ કરીને બેઠા, પરંતુ એ મૌન આજે પણ લાખોને આકર્ષે છે!  

આજની યુવા પેઢી:

 આજની યુવા પેઢી આ જૂઠા પ્રચારોને સમજી ગઈ છે. એ ધર્મના નામે ચલાવાતા વ્યાપાર અને વર્ચસ્વથી દૂર ભાગે છે, કારણ કે એમને જોઈએ છે અંતર્ગત જ્યોત!

મહાવીરે ગૌતમ સ્વામીને ઉતરાધ્યયન સૂત્રમાં કહ્યું:  

" हु जिणे अज्ज दिस्सई बहुमणए दिस्सई मग्गदेसिओ। संपइ नेयाए पहे समयं गोयं मा पसायए॥३१॥"

મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને સંબોધીને કહે છે: "આજે હવે કોઈ નજીક ભવિષ્યમાં જિન દેખાતા નથી. જે ગુરુઓ દેખાશે, એ સૌ પોતપોતાના માર્ગ પ્રવર્તન કરશે. ગૌતમ તું અનેક જન્મો સુધી ભટકીશ, અત્યારે અવસર છે, તું જાગી જા.. અપ્રમત થઈ જા.."

તું અત્યારે જ્ઞાનીની હાજરીમાં સાધના કરી લે, પછી અઘરું પડશે.. પંચમ કાળમાં તને અનેક માર્ગદર્શકો મળશે, સૌ પોત પોતાની વાત સાચી માનશે અને બીજાના સત્યનું ખંડન કરશે..તું ભ્રમિત થઈને ભટકી જઈશ. જાગી જા ગૌતમ! તું હમણાં જાગી જા.

આજના પંચમ કાળમાં અસંખ્ય "માર્ગદર્શકો" તમને ભટકાવશે. પરંતુ, જેમ ફૂલની સુગંધ કોઈ પ્રચાર વિના પ્રસરે છે, તેમ *સાચું જ્ઞાન પણ સ્વયં પ્રગટે છે.*

એકતાની ઓર:

એકતા એટલે સહિષ્ણુતા અને સ્વીકાર. જ્યારે દરેક ધર્મ પોતાના મૂળ સત્ય પર ટકી રહેશે, અને બીજાના સત્યને આદરથી વંદશે, ત્યારે જ વિશ્વમાં આત્મીયતાનો અને એકતાનો ઉષા:કાળ આવશે.  

આપણી જવાબદારી:

- ધર્મના બાહ્ય આડંબરોને નહિ, પણ અંતરના પ્રકાશને પકડીએ.

- ગુરુઓના ગુણગાનને નહિ, પણ એમના જીવન-સંદેશને અનુસરીએ.

- "મારો ધર્મ શ્રેષ્ઠ"ના ભ્રમને તોડી, વૈશ્વિક સત્યના સાગરમાં ડૂબકી લગાવીએ. 

આગળના પગલાં:

ચાલો, આપણે જાગૃત ચેતનાની એવી પેઢી બનીએ કે જે વિવિધતાને વરદાન માને, સત્યને સહજતાથી શોધે, અને શાંતિને "એકતા ના અમર ગીતમાં ગાય!

"ધર્મનો પ્રકાશ જ્યારે અંતરમાં પ્રગટે, ત્યારે બાહ્ય વાદો અને વિવાદો નિરર્થક બની જાય છે”.

"જ્યારે તમે પરિવર્તન બની જાઓ, ત્યારે પરિવર્તન ફેલાવવાની જરૂર નથી રહેતી."

યુવાનો: એકતાના નવયુગના નિર્માતા:

~ આજની યુવા પેઢી અનુકરણ નહિ, અનુભવને અગ્રતા આપે છે.

~ આજની યુવા પેઢીને વાદ અને વિવાદ નહીં, વાસ્તવિકતા જોઈએ છે.

~ જ્યારે ધર્મના નામે ફેલાતી કપટ-કથાઓ એમની બુદ્ધિને ઠેસ પહોંચાડે છે, ત્યારે એ ધર્મથી દૂર ભાગે છે. પરંતુ, એ જ યુવાનો જ્ઞાન, વિજ્ઞાન અને સમભાવનાના સંગમથી નવી દુનિયા રચી શકે છે!  

યુવાનો માટે માર્ગદર્શન:

~ પ્રશ્ન કરો: અંધશ્રદ્ધા નહિ, પરખની દૃષ્ટિ રાખો.  

~ જીવો અને જીવવા દો: દરેકના વિશ્વાસને આદરો, પણ પોતાના સત્યની ખાતરી કરો.  

~ ટેકનોલોજીને સાધન બનાવો: સોશિયલ મીડિયા પર "લાઇક્સ"ની જંગ ન લડો પણ, સત્યના સંદેશને પ્રસારાવો.

જાણો સાચા ગુરુને:

~ જે તમને મુક્તિનો માર્ગ દેખાડે, બંધનોમાં નહિ જકડે.  

~ જે નિઃસ્વાર્થ પ્રેમ આપે, લેવા કશું નહિં માગે.  

~ જે મૌનથી શિક્ષણ આપે, વ્યાખ્યાનોના ઘોંઘાટથી નહિ.  

આજથી નિશ્ચય કરો:

- હું "એકતા" નું પ્રતીક બનીશ.  

- ધર્મના નામે ફેલાતા વિષને "અમૃત"માં બદલીશ.  

- મારા અસ્તિત્વથી જ વિશ્વમાં સુગંધ ફેલાવીશ.  

સારાંશ: એકતાનો મંત્ર – "એકમ્ સત્"

વેદનો મહામંત્ર "એકમ્ સત્"(સત્ય એક જ છે) આપણને યાદ અપાવે છે કે ભાષા, પૂજા-પદ્ધતિ, અને રીતિ-રિવાજોની ભિન્નતા માત્ર બાહ્ય આવરણ છે. અંતર્ગત સત્ય તો અખંડ અને અવિકારી છે.