Blogs Details

શ્રીમદ્દ રાજચંદ્રજીના પાંચ આધ્યાત્મિક મંત્ર: પૂજ્ય સમણ શ્રી શ્રુતપ્રજ્ઞજી

Peace of Mind

April 16, 2026 

શ્રીમદ્જી એટલે પરમ જાગૃત ચેતના. અહીં હું એમને આપેલા એ મંત્રોની વાત નથી કરવાનો જેમનું એમના મુમુક્ષુઓ રટણ કરે છે - આત્મ ભાવન ભાવતા જીવ લહે કેવલ જ્ઞાન, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ - આ તો એમને આપેલા મંત્રો છે જ..  અને લાખો લોકો નિત્યક્રમમાં આનો પાઠ કરે છે. અહીં આ લેખમાં હું આ મંત્રોની વાત નથી કરવાનો. હું એવા અનુભૂત સત્યોની વાત કરવાનો છું જે એમને સાધકના આત્મ કલ્યાણ માટે આલંબન રૂપે આપેલા છે અને એનું રટણ નથી કરવાનું, એને જીવનમાં જીવી અનુભવ કરવાનો છે. 

અધ્યાત્મનો પહેલો મંત્ર : જ્ઞાન અને ક્રિયાનો સમન્વય:

શ્રીમદ્દ રાજચંદ્રજી લગભગ 160 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રની ભૂમિ વવાણીયાની આ ધરતી પર અવતર્યા. જન્મથી જ એમની ચેતના ઉર્ધ્વમુખી હતી. નાનપણમાં જ એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને એ મહાવીર સ્વામીના સમયમાં એમના અંતેવાસી શિષ્ય હતા એવું એમના સાહિત્ય ઉપરથી જાણવા મળે છે.  એમના સમયમાં જૈન ધર્મની સ્થિતિ સંતોષ જનક નહોતી. જૈન ધર્મનો એક આખો સમુદાય ક્રિયાકાંડમાં ડૂબેલો હતો અને તેને જ મોક્ષમાર્ગ માનીને બેસી ગયો હતો, આવા સમુદાયને જ્ઞાન સાથે કોઈ નિસ્બત નહોતી અને એ જ જૈનધર્મનો એક બીજો સમુદાય એ સમયે માત્ર જ્ઞાનમાર્ગને સત્ય માનતો હતો અને ક્રિયા માર્ગનો સતત વિરોધ કરતો હતો. આ સ્થિતિ શ્રીમદ્જીએ ગહેરાઈથી નિહાળી અને પરિણામે આત્મ સિદ્ધિશાસ્ત્રમાં એમને એમની પીડા વ્યક્ત કરી. એમને કહ્યું - 

કોઈ ક્રિયા જડ થઇ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ,

માને મારગ મોક્ષનો કરુણા ઉપજે જોય... 

શ્રીમદ્જીએ કહ્યું - ભગવાન મહાવીરનો સિદ્ધાંત છે - જ્ઞાનશૂન્ય ક્રિયા આંધળી છે, અને ક્રિયાશૂન્ય જ્ઞાન પાંગળું છે. જ્ઞાન સાથે આચરણ ભળે તો જ કલ્યાણ થાય એમ છે. માત્ર આચરણ અને ક્રિયાથી ઉદ્ધાર થવાનો નથી, જીવનું આચરણ એ જ્ઞાન અને સમજણ પૂર્વકનું હોવું જોઈએ. જ્ઞાન એ આંખ છે અને આચરણ એ પગ છે. આંખ અને પગ આ બંને ગતિ માટે અનિવાર્ય છે. દશવૈકાલિક સૂત્ર નામનું આગમ આ જ કહે છે - પઢમં નાણમ, તઓ દયા - પહેલા જ્ઞાન અને સમજણ મેળવો પછી એ પ્રમાણેની ક્રિયા કરો, જીવનમાં આચરણ કરો. 

અધ્યાત્મનો બીજો મંત્ર: ચિત્તમાં ત્યાગ વૈરાગ્ય:

કૃપાળુદેવ એક મહત્વની બાબત ઉપર સાધકનું ધ્યાન આકર્ષિત કરે છે અને કહે છે કે ત્યાગના નામે ઘણા લોકો શરીરને અને મનને ટોર્ચર કરે છે. એ કહે છે - માત્ર બાહ્ય ત્યાગ થાય અને ભીતરમાં એ વસ્તુ કે વ્યક્તિનું આકર્ષણ કે મમત્વ હોય તો એ ત્યાગ કોઈ કામનો નથી, એનાથી સાધકનું આત્મહિત સધાતું નથી. એ કહે છે : ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન.. જેના ચિત્તમાં વૈરાગ્ય નથી એનો ત્યાગ માત્ર બાહ્ય ત્યાગ છે. આવા સાધકની બહારથી વસ્તુઓ છૂટી જાય છે પણ વૃત્તિઓ જીવતી રહે છે. બાહ્ય ત્યાગ કરતા પહેલા વૃત્તિમાં વૈરાગ્ય આવવો જોઈએ.

અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન..... ત્યાગ વિરાગમાં અટકવાનું નથી, વીતરાગતા ભણી પ્રયાણ કરવાનું છે. વૈરાગ્ય અને ત્યાગ કે સાધુપણુ એ પણ સાધન માત્ર છે, સાધુ થઇ ગયા કે મુમુક્ષુ કહેવડાવવા લાગ્યા એટલે સંસાર જીતી લીધો એવું માનવું ભૂલ ભરેલું છે. ભીતરમાં ધ્યાનના અભ્યાસથી આત્મ અનુભવ થવો જોઈએ અને એમાંથી જ્ઞાન અને વૈરાગ્ય પાંગરવા જોઈએ. સાધકમાં આત્મભાવ જાગે છે, ચૈતન્ય તત્ત્વ પ્રત્યે ઝુકાવ થાય છે ત્યારે સાચા વૈરાગ્યનો જન્મ થાય છે. આવા વૈરાગીને વસ્તુ છોડવાનો વિશેષ આયાસ કરવો પડતો નથી, એ સહજ રીતે છૂટવા લાગે છે. આવા ત્યાગમાં પ્રદર્શન નથી હોતું, કેમકે એમાં આત્માનું દર્શન હોય છે. જે માત્ર ત્યાગ અને ત્યાગની ગણતરીઓમાં, ધર્મ ક્રિયાઓ અને ક્રિયાઓના હિસાબ કિતાબમાં અટવાઈ જાય છે, એ ખરેખર જીવનનું સાચું લક્ષ્ય ચૂકી જાય છે. એમના માટે શ્રીમદ્જી કહે છે - અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન..  

અધ્યાત્મનો ત્રીજો મંત્ર: સ્વરૂપને ઓળખ 

કૃપાળુદેવ કહે છે - હે જીવ ! પહેલા તું તારા સ્વરૂપને ઓળખ, તારા આત્મ તત્ત્વની પહેચાન કર. જીવે આજ સુધી ધર્મના નામે ઘણું બધું કર્યું અને એ બધું પાછું હોલસેલમાં અને થોકબંધ કર્યું. બહારની ક્રિયાઓ અને આચરણ એટલા બધા કર્યા કે જેનો કોઈ હિસાબ નથી. જો કે જડ ક્રિયાવાદીઓ આનો પણ હિસાબ રાખતા હોય છે.  એક પ્રશ્ન જિજ્ઞાસુએ પોતાને પૂછવો જોઈએ કે આટલું બધું કર્યા પછી પણ જીવનું કલ્યાણ કેમ ના થયું? કૃપાળુ દેવ આ પ્રશ્નનો જવાબ આપતા કહે છે - જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. હે જીવ ! પહેલા તું તારા સ્વરૂપની સંભાળ લે, જાતનો પરિચય કર. આત્મજ્ઞાન પહેલા સમજણમાં પણ લાવ.

તું આ દેહ નથી, તું શુદ્ધ, બુદ્ધ ચૈતન્ય ધન અને જ્યોતિ સુખનું પરમ ધામ છે. દ્રષ્ટિ અંતર્મુખી કરીને આત્મ પરિચય કર. હે જીવ ! તારો ત્યાગ અને વૈરાગ્ય આત્મજ્ઞાનમાંથી પ્રગટવો જોઈએ. આ જીવ ધર્મના નામે ઘણું બધું કરશે, બહુમૂલ્ય કલાકોના કલાકો ધર્મમાં ઈન્વેસ્ટ કરશે પણ થોડા પ્રયાસથી આત્માની સમજણ અને અનુભૂતિ કરી શકાય છે પરંતુ એ તરફ લક્ષ્ય જ નહીં જાય, કેટલો મતાંધ છે આ જીવ ! એટલે જીવ જન્મો જન્મોમાં ફરી ફરી અનંત દુઃખનો ભોગ બને છે. સ્વરૂપને કેમ ઓળખવું એવો પ્રશ્ન થાય તો એનો જવાબ આપતાં આચારાંગ સૂત્ર નામના જિન આગમના પ્રથમ સ્કંધમાં જીવને સાત પ્રશ્નો પૂછ્યા છે,  હું ક્યાંથી આવ્યો છું - પૂર્વમાંથી, પશ્ચિમમાંથી, ઉત્તરમાંથી, દક્ષિણમાંથી, ઉર્ધ્વ લોકમાંથી, નીચલા લોકમાંથી કે અનેરી દિશામાંથી એ જ વાત કૃપાળુદેવ કહે છે - ધ્યાનમાં બેસી તું તારી જાતને પૂછ - 

કોણ શું ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારુ ખરું

કોના સંબંધે વરગણા, એ રાખું કે હું પરી હરું?

આ આધ્યાત્મિક મૂળભૂત પ્રશ્નોના જવાબ તારી અંદરથી આવવા જોઈએ, કોઈના કહેવાથી કે સાંભળી લેવાથી નહિ. આ જ મંત્ર વાક્યોને તારી સાધના બનાવ અને પહેચાન કર તારા અસલી અસ્તિત્વની.      

અધ્યાત્મનો ચોથો મંત્ર: સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે:

કૃપાળુદેવે અનેક આધ્યાત્મિક કાવ્યો લખ્યા. એક એક કાવ્ય સાધકને એની મોહનિદ્રામાંથી જગાડવા શક્તિમાન છે. એ માટે જરૂરી છે સાધકનું પહેલા લક્ષ્ય સેટ થાય. મૂળ માર્ગ સાંભળો જિનનો રે - આ એક અદ્ભૂત આધ્યાત્મિક કાવ્ય છે. આમાં જિનેશ્વરનો સાચો માર્ગ અને મૂળ માર્ગ શું છે એ તરફ સ્પષ્ટ અંગુલી નિર્દેશ કરેલો છે. એવી રીતે અમૂલ્ય તત્ત્વ વિચાર નામનું કાવ્ય આપ્યું - બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો  - આ કાવ્યનો મર્મ સમજમાં આવે તો આ સમજ  સાધકને આત્મજ્ઞાન કરાવવા સમર્થ છે. આમાં એક એક લાઈન એ મંત્ર સમાન છે. એ કહે છે -  સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ્યે લહો, હે સાધકો જરાક તો લક્ષ્ય તરફ નજર માંડો અને ધ્યાન આપો કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. અર્થાત સંસારનું કહેવાતું ક્ષણિક સુખ પામવાના ચક્કરમાં તું તારી આત્મસુખ પામવાની અમૂલ્ય ક્ષણ ગુમાવે છે.

ચિત્તનો ઉપયોગ એક સાથે એક વસ્તુમાં જ રહી શકે છે - સંસારના સુખનો પુરુષાર્થ કરીશ તો આત્મિક સુખથી હાથ ધોવા પડશે. આ વાતને વધુ સ્પષ્ટ કરતા કહે છે - ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે - આ ભૌતિક સુખની ઘેલછા એ આત્મા માટે ભાવ મરણનું કારણ છે. આવું ભાવ મરણ જીવ આ સંસાર સુખને પામવા ક્ષણ ક્ષણ કરી રહ્યો છે.  એ કહે છે આવું ભાવ મરણ ન કરવું હોય તો વસ્તુઓના સાપેક્ષ સુખની લાલસા છોડો. 

અધ્યાત્મનો પાંચમો મંત્ર: ક્યારે થઈશું બાહ્યાન્તર નિર્ગ્રંથ જો?

આધ્યાત્મિક જીવનની સાચી ધન્યતા છે: ક્યારે થઈશું  બાહ્યાન્તર નિર્ગ્રંથ જો? સાધક પોતાની જાતને ધ્યાનમાં બેસીને આત્મ નિરીક્ષણ કરે ત્યારે એક પ્રશ્ન પૂછવો જોઈએ કે આ બઘી ઉપાધિમાં હું ક્યારથી પડયો? કેમ પડ્યો? અને પડ્યો તો પડ્યો પણ હવે એમાંથી નીકળતો કેમ નથી? ક્યારે એવી અપૂર્વ ઘડી આવશે કે હું ભીતરનો અને બહારનો પરિગ્રહ છોડી એમાંથી મુક્તિ મેળવી સાચા મુક્તિના પંથે પ્રયાણ કરીશ? આ મંત્રમાં ભીતરનો ત્યાગ તો છે જ, બહારથી પણ પરિગ્રહ અને સંગ્રહ છૂટવો જોઈએ.

શ્રીમદજીને તો જિનદીક્ષા ગ્રહણ કરવાનો ભાવ હતો. એમના મુમુક્ષુઓમાં કેમ કોઈ સર્વસંગ પરિત્યાગી ન થયું? કેમ કોઈ પંચ મહાવ્રતધારી સાધુ ભગવંત ન થયા. શું આ માર્ગમાં ભીતરી વૈરાગ્ય સાથે બાહ્ય ત્યાગ જરૂરી માનવામાં નથી આવ્યો? કૃપાળુ દેવે તો ભાવના ભાવી છે - ક્યારે થઈશું બાહ્યન્તર નિર્ગ્રંથ જો? બાહ્ય ત્યાગની ઉપેક્ષા કરવી એ શ્રીમદ્દજીને માનવા વાળા મુમુક્ષુઓની આધ્યાત્મિક ભૂલ છે. એ ચેક કરવું રહ્યું કે ક્યાંય બાહ્ય ત્યાગ ન કરવાના નામે આંતર વૃત્તિઓનું પોષણ તો નથી કરી રહ્યા ને ? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું ..... આ કાવ્ય એક પરમ અને ચરમ કોટિનું આધ્યાત્મિક કાવ્ય છે. આ કાવ્યમાં શ્રીમદ્જી પોતાની વર્તમાન ભાવ દશાનું વર્ણન કરે છે. આ કાવ્ય સંસારમાં ખોવાયેલા સાધકને એની ગહન અને સુસુપ્ત નિદ્રામાંથી જગાડવાનો પ્રયાસ છે. 

કૃપાળુ દેવે પોતાની અનેક જન્મોની આત્મ સાધનામાંથી આપણને ઘણું આપ્યું છે. હું તો એમ કહીશ કે એમને મહાવીરના આગમોને સરળ અને કાવ્યાત્મક ભાષામાં આપણી સામે કરુણાભાવે મૂક્યા છે, આપણામાં કેટલાક એટલા ભારે કર્મી છે કે આ બધું જ વાંચ્યું, સાંભળ્યું અને જાણ્યું હોવા છતાં આપણને એ સ્પર્શતું નથી. આપણે ભગવાનની જેમ કૃપાળુ દેવને પણ પૂજવા લાગ્યા અને એમની આરતી ઉતારવા લાગ્યા પણ ખરેખર માંહ્યલાને પુછીયે કે શું એમની આરતી ઉતારી લેવા માત્રથી એમની આરાધના થઇ જશે? એમને ખ્યાલ હતો કે મારા નામનો પણ લોકો સંપ્રદાય ઉભો કરશે અને લોકો મને ભૂલીને પોતાને પૂજાવશે, એટલે એમને સાફ સાફ કહી દીધું કે હું કોઈ ગચ્છમાં, પંથમાં કે મતમાં નથી, હું આત્મામાં છું. મને શોધવો હોય તો કોઈ મત કે પંથના ચક્કરમાં નહિ પડતા અને આત્માભણી યાત્રા આરંભજો.

કૃપાળુ દેવનું તત્ત્વજ્ઞાન એટલું અનુભૂત અને પ્રબળ છે કે આ માર્ગમાં આત્મજ્ઞાની સાધકો પેદા થવા જોઈએ. આજે સ્થિતિ એવી નથી. આજે તો માત્ર ચીલા ચાલુ ક્રિયાકાંડ એમના માર્ગમાં પણ ચાલી રહ્યું છે. આને હું દુર્ઘટના કહું છું. આજની દુનિયાને જરૂર છે મહાવીર વાણીના આધારે શ્રીમદે જે માર્ગ સરળ કરી આપ્યો છે, એ માર્ગે ચાલીને આત્મજ્ઞાનનો દીપ પ્રજ્જ્વલિત કરવાનો છે. આ જ કૃપાળુદેવની સાચી ભક્તિ અને ઋણમુક્તિ ગણાશે.